અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ પહેલાં નોટિસ
બાળકોને ઈયરપ્લગ વિના કોન્સર્ટમાં પ્રવેશ નહીં, અવાજનું સ્તર ૧૨૦ ડેસિબલ રાખવા પણ નિર્દેશ
અમદાવાદ: બ્રિટનના વિશ્વ વિખ્યાત રોક બેન્ડની અમદાવાદમાં આ મહિનાના અંતમાં કોન્સર્ટ યોજાવાની છે ત્યારે રોક બેન્ડને અમદાવાદના જિલ્લા બાળ સંરક્ષણ એકમે નોટિસ ફટકારી છે. બાળ સંરક્ષણ એકમે રોક બેન્ડ પર કોઈપણ સ્વરૂપમાં મંચ પર બાળકોના લાવવા પર પ્રતિબંધ મૂકવાની સાથે બેન્ડને ચેતવણી આપી છે.
અમદાવાદના જિલ્લા બાળ સંરક્ષણ એકમે બ્રિટિશ રોક બેન્ડના ગાયક ક્રિસ માર્ટિન અને શોના આયોજકોને નોટિસ પાઠવતા નિર્દેશ આપ્યા છે કે તેઓ કોઈપણ સ્વરૂપે સ્ટેજ પર બાળકોને લાવી શકશે નહીં. વધુમાં આયોજકોને એ પણ સુનિશ્ચિત કરવાનું જણાવાયું છે કે તેમની કોન્સર્ટમાં કોઈપણ બાળકને ઈયર પ્લગ વિના પ્રવેશ આપવામાં ના આવે. આ સાથે કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમમાં અવાજનું સ્તર ૧૨૦ ડેસિબલથી વધુ નાં હોવું જોઈએ. તેનાથી વધુ ડેસિબલનો અવાજ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો રોક બેન્ડ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી અપાઈ છે.
આ રોક બેન્ડની એક કોન્સર્ટ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૫-૨૬ જાન્યુઆરીએ થવાની છે. આવા સમયે કોલ્ડપ્લે વિરુદ્ધ ચંડીગઢના સમાજશાસ્ત્રના સહાયક પ્રોફેસર પંડિત રાવ ધારનેવરે ફરિયાદ નોંધાવી છે, જેના પગલે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ એકમે રોક બેન્ડને નોટિસ પાઠવી છે. અગાઉ આ રોક બેન્ડનો એક શો અમદાવાદમાં થવાનો હતો, પરંતુ ચાહકોની માગને પગલે અમદાવાદ પહેલાં મુંબઈમાં ૧૮, ૧૯, ૨૧ જાન્યુઆરીના રોજ પણ કોન્સર્ટ થશે. રોક બેન્ડના ગાયક ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાયબેરીમેન અને વિલ ચેમ્પિયને છેલ્લે ૨૦૧૬માં ભારતમાં કોન્સર્ટ કરી હતી.