IKDRC: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હવે કિડનીની સારવાર માટે બહારગામથી આવતા દર્દીઓ પાસેથી રેલવે કન્સેશન ફોર્મ દીઠ રૂપિયા 100 લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
રેલવે કન્સેશન ફોર્મને પણ કમાણીનું સાધન બનાવી દેવાતાં દર્દીઓમાં નારાજગી
કિડની, હૃદય અને કેન્સરની સારવાર માટે રેલવેથી મુસાફરી કરીને આવતા દર્દીઓને હાલ ટિકિટ ભાડામાં 75 ટકા સુધીનું કન્સેશન આપવામાં આવે છે. આ કન્સેશન મેળવવા દર્દીએ માત્ર એક ફોર્મ ભરવાનું રહે છે. પરંતુ કિડની હોસ્પિટલે દર્દીઓના રેલવે કન્સેશન ફોર્મને પણ કમાણીનું સાધન બનાવી દીઘું છે. છેલ્લા ઘણાં મહિનાથી દર્દીઓ પાસેથી આ ફોર્મ દીઠ રૂપિયા 100 લેવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે.
આ પણ વાંચો: જામનગરની ભૂમિ અમારા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે : નીતા અંબાણી
દર્દીઓના મતે અગાઉ આ રીતે રેલવે કન્સેશન ફોર્મ માટે રૂપિયા લેવામાં આવતા નહોતા. પરંતુ હવે દર્દી 100 રૂપિયા આપે પછી જ તેને ફોર્મ મળે છે. કિડની ઈન્સ્ટિટ્યુટે કમાણી માટે દર્દીઓ પાસેથી ફોર્મના રૂપિયા વસૂલવાને સ્થાને હકિકતમાં તો સ્પેશિયલ રૂમના ભાડામાં વધારો કરવો જોઇતો હતો. દરરોજ અંદાજે 30થી 40 જેટલા દર્દીઓ રેલવે કન્સેશન ફોર્મ લઈ જતાં છે.
કિડની હોસ્પિટલમાં દવાની ખરીદી માટે રૂ. 38 લાખ વધુ ચૂકવાયા
સિવિલની કિડની હોસ્પિટલમાં દવાઓની ખરીદીમાં વધુ રકમ ચુકવવા તેમજ દવાઓનું પરીક્ષણ થતું નહીં હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2015થી 2023 દરમિયાન દવાઓ- સર્જિકલ વસ્તુઓનું ગુણવત્તા પરીક્ષણ હાથ ધરાયું નહોતું. આ ઉપરાંત કિડની હોસ્પિટલે દવાઓનો જથ્થો ઊંચા દરે ખરીદ્યો હતો. જેનાથી સપ્લાયરોને રૂ. 38.43 લાખની વધારાની ચુકવણી કરાઇ હતી. વર્ષ 2024ના ઓડિટ રીપોર્ટમાં એવી દરખાસ્ત કરાઈ છે કે કિડની હોસ્પિટલમાં દવાઓ સહિતની વસ્તુઓની ખરીદીના વ્યવહારોની સમીક્ષા કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં વ્યાજબી ભાવે ખરીદી થઈ શકે.