Gujarat Smart City Project : સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ સહિત 6 શહેરને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્માર્ટ સિટીમાં 354 પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી રૂપિયા 10827. 14 કરોડ ખર્ચવામાં આવ્યા છે. હજુ 15 પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 627.22 કરોડ ખર્ચાવાના બાકી છે.
રૂપિયા 627 કરોડના 15 પ્રોજેક્ટમાં કામગીરી હજુ બાકી
શહેરી માળખાકીય સુવિધાઓ, જીવનની ગુણવત્તા અને ટકાઉ વિકાસને વધારવા માટે ભારત સરકારે 25 જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનનો હેતુ સામાજિક, નાણાકીય અને સંસ્થાકીય પાસાઓનો વિકાસ કરીને શહેરોને મોડલ શહેરી વિસ્તારોમાં પરાવર્તિત કરવાનો છે. આ મિશન હેઠળ, સમગ્ર ભારતમાંથી 100 શહેરો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ, એમ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે.
સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ સામેલ છે. શહેરોમાં વધી રહેલી ભીડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું લક્ષ્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેવવામાં આવ્યું છે. એટલું જ નહીં રોડ એક્સિડન્ટ્સને રોકવા તેમજ સાઈકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવે છે.
સ્માર્ટ સિટી હેઠળ સુરતમાં સૌથી વધુ 82, રાજકોટમાં 71, અમદાવાદમાં 70 પ્રોજેક્ટ છે. અમદાવાદમાં કુલ 70 પ્રોજેક્ટ પાછળ 11451 કરોડ રકમ છે. આ પૈકી હવે માત્ર 1 પ્રોજેક્ટ પાછળ બાકી છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા 2626 કરોડનો છે.