Co operative Housing Society New Rules : કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કો ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.
જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનાારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. ફ્લેટની માલિકી બદલાતા નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂ. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. તેમ છતાંય કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ અને કોઓપરેટીવ સર્વિસ સોસાયટીઓ નવા સભ્ય બનનાર પાસેથી ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફી પણ વસૂલે છે. આ રકમ રૂ. 10 લાખથી માંડીને તેનાથીય મોટી હોવાની સંભાવના રહેલી છે.
આ પણ વાંચો : સોસાયટીમાં ‘વિવાદનું ઘર’ કહેવાતી ટ્રાન્સફર ફીના માળખામાં થશે ધરખમ ફેરફાર, 33 વર્ષ બાદ કાયદામાં સુધારો થશે
ગુજરાત સરકારના સહકાર ખાતાના અધિકારીઓને આ હકીકતની જાણ હોવાથી તેમણે આ ગેરરીતિઓને નાબૂદ કરવા માટે ટ્રાન્સફર ફી પેટે રૂ. 50,000ની મહત્તમ રકમ ઉપરાંત ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાંય નવા ફ્લેટ ખરીદનાર પાસે ટ્રાન્સફર ફી ઉપરાંડ ડેવલપમેન્ટ ફીને નામે મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ રકમ કોઈપણ હાઉસિંગ સોસાયટી ન લે તે માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
નવા નિયમ આવી ગયા પછી ડેવલપમેન્ટ ફી પેટે મોટી રકમ લેવાનો આગ્રહ રાખના સર્વિસ સોસાયટી કે પછી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરવાની કે તેમને છ વર્ષ સુધી બોર્ડમાં બેસવા જ ન મળે તેવી જોગવઆઈ દાખલ કરે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેમ છતાંય ડેવલપમેન્ટ ફીને નામે વધુ નાણાં લેવામાં આવશે તો જે તે સહકારી હાઉસિંગ સોસાયટી કે સર્વિસ સોસાયટીના બોર્ડના સભ્યને છ વર્ષ માટે હોદ્દાથી દૂર કરી દેવામાં આવશે. સોસાયટીના આખા બોર્ડને પણ દૂર કરી દેવામાં આવે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે.