વિદ્યાર્થીને હાથ ઉપર સોજો આવતા તેની માતાએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી
Updated: Dec 16th, 2023
અમદાવાદ,શનિવાર,16 ડીસેમ્બર,2023
તને લખતા-વાંચતા આવડતુ નથી એમ કહી અસારવા ગુજરાતી કન્યા
શાળાના શિક્ષિકાએ ધોરણ-૬ની વિદ્યાર્થીનીને લાકડી ફટકારતા હાથ ઉપર સોજો આવવાની ઘટના
સામે આવી છે.ઘટનાના બે દિવસ બાદ વિદ્યાર્થીનીની માતાએ આ બાબતમાં શાળાના
પ્રિન્સિપાલને ફરિયાદ કરતા પ્રિન્સિપાલે શિક્ષિકાનો બચાવ કરતા કયાંક પડી ગઈ હશે
એવો જવાબ તેણીની માતાને આપ્યો હતો.
મ્યુનિ.સ્કૂલબોર્ડ સંચાલિત અસારવા ગુજરાતી કન્યા શાળાની
ધોરણ-૬માં અસારવા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ બજાણીયાની પુત્રી અભ્યાસ કરે
છે.અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ લાકડીથી ફટકાર્યા બાદ તેણી ગભરાઈ ગઈ
હતી.લાકડી ફટકરાયા બાદ તેણીના જમણાહાથ ઉપર સોજો આવી ગયો હતો.ત્રણ દિવસથી તે સ્કૂલ
જવાની તેણીની માતાને ના પાડી દઈ ગુમસુમ રહેતી હતી.હાથે સોજો આવતા શાળાના
પ્રિન્સિપાલ ભારતીબેન સમક્ષ રજુઆત કરાતા પ્રિન્સિપાલે પણ શિક્ષિકાનો બચાવ કરતા
શિક્ષિકાબેનને ઠપકો આપવામાં આવ્યો છે તથા કયાંક પડી ગઈ હશે એથી વધારે થયુ હશે એવો
જવાબ આપ્યો હતો.વિદ્યાર્થીનીના માતા-પિતા દ્વારા તેમની પુત્રીને માર મારનારા
શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
તપાસ બાદ કાર્યવાહી કરાશે,શાસનાધિકારી
ધોરણ-૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લાકડી ફટકારવાની
બનેલી ઘટના મામલે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડોકટર લગધીર દેસાઈને પુછતાં
તેમણે કહયુ,આ ઘટના
મામલે સ્કૂલબોર્ડ તરફથી તપાસ કરીશુ.તપાસમાં શિક્ષિકા કસૂરવાર જણાશે તો શિક્ષિકા
સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.