અમદાવાદ,બુધવાર
દરિયાપુરમાં આવેલા કુખ્યાત મનપસંદ જીમખાના ક્લબ ફરીથી વિવાદમાં આવી છે. ્ક્લબમાં પત્તાની રમત રમવા આવેલા બે વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવતા ક્લબમાં ચાલતા જુગારની પ્રવૃતિને લઇને પ્રશ્નો ઉભા થયા છે. જે અંગે ગંભીર નોંધ લઇને સ્ટેટ મોનીટરીંગ સેલ અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સંડોવણીની શક્યતાને આધારે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. દરિયાપુરમાં આવેલા કુખ્યાત મનપસંદ જીમખાના ક્લબમાં થોડા દિવસ પહેલા પત્તા રમવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે મારમારીની અને ધમકીની ઘટના સામે આવી હતી. ત્યારે વિવાદોનું બીજુ નામ બની ગયેલું મનપસંદ જીમખાના ફરીથી ચર્ચામાં આવ્યું છે. જો કે દરિયાપુર પોલીસે નોંધેલી ફરિયાદમાં ક્લબમાં મેમ્બર પત્તા રમવા માટે ગયો હતો હોવાનો ઉલ્લેખ છે અને જુગાર શબ્દનો ઉલ્લેખ નથી કરાયો.
પરંતુ, અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૧૮૩ જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે ક્રાઇમબ્રાંચના દરોડામાં ૨૭ જુગારીઓ ઝડપાયા હતા. આમ, બે મોટી એજન્સીના બે દરોડા બાદ મનપંસદ જીમખાના પર આકરી કાર્યવાહી બાદ કાયમ માટે આ ક્બલને બંધ કરવાનો રિપોર્ટ રાજ્ય પોલીસ વડા અપાયો હતો. જો કે દરિયાપુરમાં ચાલતા આ જીમખાનાને કોઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માડીને રાજકીય નેતાઓના આર્શીવાદ હોવાથી ફરીથી સભ્યો માટે પત્તાની રમતો શરૂ થઇ ગઇ હતી.
સુત્રોના જણાવ્યા મુજબ મનપસંદ જીમખાનામાં થયેલી મારામારીની સ્ટેટ મોનીટરીંગ સેલ અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ લીધી છે. તેમજ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જે અનુસંધાનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને મનપસંદ જીમખાનાના સંચાલકો વચ્ચેની સાંઠગાઠ અંગે તપાસ કરવા માટે પણ સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોલીસના અનેક કાર્યક્રમો મનસપંદ જીમખાનાના સંચાલકો દ્વારા જમવાથી માંડીને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની ચર્ચા છે. ત્યારે આ જીમખાનામાં થયેલી મારામારીની ઘટનાને લઇને આગામી દિવસોમાં મોટા ખુલાસા થઇ શકે છે.