Shahpur Police Solved Muder Case : ઘાટલોડિયામાં રહેતા અને યુકેથી આવેલા યુવકને ગત રવિવારે શાહપુરમાં તેના મિત્રએ છરીના ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આજે બુધવારે શાહપુર પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) આરોપીને મહેસાણામાં ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મિત્રની હત્યાનો આરોપી ઝડપાયો
ઘાટલોડિયામાં પ્રભાત ચોક પાસે યશકુંજ સોસાયટીમાં રહેતો નિહાલ પટેલના હત્યાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં શાહપુર પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને મહેસાણાની ટ્રેનમાંથી આરોપી જય ઓઝાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યા બાદ આરોપી હરિદ્વાર ભાગી ગયો હતો. જો કે, રૂપિયા પૂરા થઈ જતા ગુજરાત પરત ફર્યો હતો અને તેના સંબંધીને ત્યાં આશરો લીધો હતો.
આ પણ વાંચો: નળ સરોવર પાસે હનીટ્રેપ કરીને તોડ કરનાર બે યુવતી સહિત પાંચ ઝડપાયા
ઘટના અંગે પોલીસે શું કહ્યું?
શાહપુર પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ખાંભલાએ જણાવ્યું હતું કે, ‘નિહાલ પટેલ અને જય ઓઝા નજીકના મિત્રો હતા. બંને અવારનવાર શાહપુરમાં પટેલ અમૂલ પાર્લર ખાતે મળતા હતા. ઘટનાની રાત્રે નિહાલે આરોપી જયની માતા વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરતાં મામલો ગરમાયો હતો. આ પછી જય પોતાના રાણીપના ઘરેથી છરી લઈને ઘટના સ્થળે આવ્યો હતો અને શાળાના ગેટની બહાર નિહાલ પર હુમલો કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ઘાટલોડિયામાં પ્રભાત ચોક પાસે યશકુંજ સોસાયટીમાં રહેતો નિહાલ ઉપેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.30) યુકેથી આવ્યો હતો. શાહપુરમાં રવિવારે નિહાલને તેના મિત્રએ ચાકુના ઘા માર્યા હતા. જેમાં નિહાલને પીઠ, પેટ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિહાલનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ન્યુ રાણીપ ખાતે રહેતા મિત્ર જય ઓઝા અને નિહાલ મજાક મસ્તી કરતા હતા. જેમાં મૃતક નિહાલે આરોપીની માતાને ગાળ બોલતાં ઉશ્કેરાઈને આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીએ મૃતકના મોબાઈલ ફોનથી બીજા મિત્રને જાણ પણ કરી હતી.