અમદાવાદ,ગુરૂવાર
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેંવતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો અને ખાલી બોટલો પણ મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ખાંભલાના સ્ટાફને બાતમી મળી હતી કે શાહપુર હલીમની પટ્ટી નજીક આવેલા રેંવતદાસ ખડકીમા રહેતો રીકી બરોલા (જૈન) વિદેશી દારૂનો વેપલો કરે છે. જેના આધારે પીએસઆઇ ડી જી ભાટીયા અને તેમના સ્ટાફે દરોડો પાડયો ત્યારે તે ચોંકી ઉઠયા હતા. પોલીસને રીકીના ઘરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને તેલના ડબ્બામાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ ૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો.
આ અંગે પુછપરછ પોલીસને જાણવા મળ્યું હતું રીકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને તે દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરીને બોટલમાં પેક કરીને વેચાણ કરતો હતો. આ અંગે પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાંક કેમીકલ ઉમેરતો હોય શકે છે. જે અંગે નકલી દારૂના સેમ્પલ લઇને તપાસ માટે એફએસએલમાં મોકલવી આપવામાં આવ્યા છે.