અમદાવાદ,બુધવાર,18 ડિસેમ્બર,2024
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા બંને તરફના ૩૭ કિલોમીટરના વોકવે
ઉપર એકપણ સી.સી.ટી.વી.કેમેરા જ લગાવવામાં આવ્યા નથી.રિવરફ્રન્ટ ખાતે પ્રાઈવેટ એજન્સીઓના
૯૭ જેટલાં સિકયોરીટી ગાર્ડ ત્રણ શિફટમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા હોવાછતાં નદીમાં કૂદીને
આત્મહત્યા કરવાના બનાવ સતત વધતાં જાય છે.છેલ્લા ૧૧ વર્ષમાં વોકવે ઉપરથી ૧૮૬૯ જેટલા
લોકોએ આત્મહત્યા કરી છે.
વર્ષ-૨૦૦૮માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
લિમિટેડની સ્થાપના કરવામા આવી હતી.કરોડો રુપિયાનો ખર્ચ કરી સાબરમતી રિવરફ્રન્ટનો
બે ફેઝમાં વિકાસ કરવામાં આવ્યો છે.૧૧ વર્ષમાં ૨૪૭ મહિલા, ૧૫૮૬ પુરુષ તથા
૩૬ બાળકો મળીને કુલ ૧૮૬૯ લોકોએ આત્મહત્યા કરી છે.૪૬૬ લોકોને આત્મહત્યા કરતા બચાવી
લેવામાં આવ્યા છે.એડવોકેટ અતિક સૈયદને
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ,વોકવે ઉપર પૂર્વ
તરફ ત્રણ શિફટમાં ૪૪ તથા પશ્ચિમ તરફ ત્રણ શિફટમાં ૫૩ ગાર્ડ સિકયોરીટી માટે ફરજ ઉપર
મુકવામાં આવ્યા છે.જેમને લોકો નદીમાં કૂદી આત્મહત્યા ના કરે તે જોવાની તથા
રિવરફ્રન્ટની મિલકતને નુકસાન ના પહોંચે તે જોવાની ફરજ બજાવવાની હોય છે.આમ છતાં
રિવરફ્રન્ટ વોકવે ઉપર પચાસ ટકા સિકયોરીટી ગાર્ડ જોવા મળી રહયા છે.રિવરફ્રન્ટથી ૧.૫
કિલોમીટરના અંતરે જમાલપુર તેમજ શાહપુર ફાયર સ્ટેશન આવેલા છે.નવરંગપુરા અને સાબરમતી
ફાયર સ્ટેશન ચારથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા છે.નદીમા કૂદીને આત્મહત્યા કરતા
લોકોને બચાવવા રિવરફ્રન્ટ ખાતે બે રિવરબોટ આપવામા આવેલી છે.જે તૂટેલી હાલતમાં છે.આ
બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠા ઉપરના ૩૭ કિલોમીટરના
વોકવે ઉપર તાકીદે સી.સી.ટી.વી.કેમેરા લગાવવા,
સિકયોરીટી ગાર્ડસની હાજરી અંગે વિજિલન્સ તપાસ કરાવવા મ્યુનિસિપલ કમિશનરને
રજૂઆત કરવામાં આવી છે.