અમદાવાદ,સોમવાર
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી કેટલાંક આઇડી પરથી
વાંધાજનક રીલ વાયરલ થવાનું સામે આવ્યું હતું. જેમાં દારૂ ભરેલી કાર સાથે તેમજ દારૂના
જથ્થા સાથે વિડીયો રીલ બનાવીને ગુજરાતમાં દારૂબંધીને અસર થાય તેવો પ્રયાસ કરાયો હતો.જેમાં રાજસ્થાનથી
ગુજરાતમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરોની સંડોવણી સામે આવી હતી. આ અંગે સ્ટેટ મોનીટરીંગ
સેલના અધિકારીઓએ તપાસના આદેશ આપીને બનાસકાંઠાના આગથળા અને ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવીને બે સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય, લોકો દારૂબંધીના
કાયદાનો ભંગ કરે અને રાજ્યમાં દારૂના ગેરકાયદેસર ધંધાને પ્રોત્સાહન મળે તે માટે
કેટલાંક બુટલેગરોએ સોશિયલ મિડીયાના ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ આઇડી બનાવીને રીલ
પોસ્ટ કરી હતી.
જેમાં કારમાં દારૂ લઇને જતા હોય અને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ
સપ્લાય કરે છે તેવો દાવો કરે. આ ઉપરાંત,દારૂનો
જથ્થા સાથે પણ વિડીયો રીલ બનાવવામાં આવી હતી. આ બાબતે ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયને તપાસના
આદેશ આપ્યા હતા. જેથી ટેકનીકલ સર્વેલન્સના આધારે
રાજસ્થાન ટુ ગુજરાત,
રાજસ્થાન ટુ ગુજરાત પાંચ,
લવારા ટુ ગુજરાત અને રાણા ઓફિશય ૦૦૭ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તપાસ કરીને
પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં બે સગીર, બનાસકાંઠાના
લવાણા ગામનો બુટલેગર દશરથ ઠાકોર અને લવારા ગામના જ સ્વરૂપસિંહ લવારા નામના વ્યક્તિ વિરૂદ્ધ બનાસકાંઠાના આગથળા અને ધાનેરા
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા હતા.
આ સાથે અન્ય કેટલાંક ઇન્સ્ટાગ્રામ આઇડી અને ફેસબુક પરના એકાઉન્ટ પર પણ તપાસ
કરવામાં આવી રહી છે.