અમદાવાદ,શનિવાર
નિકોલમાં પિતાએ પુત્રને રૃા. ૫૦ આપવાનો ઇન્કાર કરતાં પુત્રએ પિતા અને કાકાને લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કરી મૂક્યા હતા અને જતા જતા મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતા ભાઇ સાથે લારી લઇ ઘરે જતા હતા રસ્તામાં પુત્રએ રૃપિયા માંગ્યા, કાકા વચ્ચે પડતા તેમને ફટકાર્યા પિતાએ પુત્ર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
નિકોલમાં રહેતા અને લારીમાં સિંગ-ચણાનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેઓ ભાઇ સાથે લારી લઇને ઘરે જતા હતા. ત્યારે પુત્ર રસ્તામાં પિતાને મળ્યો હતો અને રૃા. ૫૦ની માંગણી કરી હતી. પરંતુ પિતાએ રૃપિયા આપવાની ના પાડતા પુત્રએ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.
એટલું જ નહી લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કર્યા હતા. આ સમયે કાકા વચ્ચે પડતા તેમને પણ લાકડીથી ફટકાર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો બાદમાં ઇજાગ્રસ્ત બન્ને ભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.