અમદાવાદ,શનિવાર,30 ડિસેમ્બર,2023
ગ્રીનસીટી અમદાવાદની સુફીયાણી જાહેરાત મ્યુનિસિપલ તંત્ર
દ્વારા કરવામાં આવે છે.મિશન મીલીયન ટ્રી ઝૂંબેશ હેઠળ ૨૧ લાખ રોપા રોપાયા હોવાના
દાવા વચ્ચે એરપોર્ટથી હાંસોલ સર્કલ સુધીના રોડ ઉપર ૮૦થી ૧૦૦ વર્ષ જુના ઘટાદાર
વૃક્ષો સાથે એક હજાર નાના-મોટા વૃક્ષોનું સિકસલેન રોડ બનાવવાના નામે મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા નિકંદન કાઢવામાં આવ્યુ
છે.આ રોડ ઉપર આવેલી વન વિભાગની નર્સરીમાં ઉગાડવામાં આવેલા નાના પ્લાન્ટની સાથે
મોટા વૃક્ષોનો પણ સોથ વાળી દેવામાં આવ્યો છે.
એરપોર્ટ રોડ ઉપર વી.વી.આઈ.પી. અને વી.આઈ.પી.ઓની સતત અવરજવર
રહેતી હોવાથી એરપોર્ટથી હાંસોલ સર્કલ સુધી બંને તરફના ૧.૭ કિલોમીટર લંબાઈ
ધરાવતા રોડને રુપિયા દસ કરોડથી વધુના
ખર્ચથી સીટી એન્ટ્રી તરીકે ડેવલપ કરવા રાજહંસ ઈન્ફ્રાકોન(ઈન્ડિયા) પ્રા.લી.ને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કામ આપવામાં
આવ્યુ છે.ઈન્દિરા સર્કલથી તાજ સર્કલ સુધીના રોડને રિડીઝાઈન કરી રિડેવલપ કરવા તથા આ
રોડને આઈકોનીક રોડ બનાવવા આ એક માત્ર બિડર કવોલીફાય થતા ૧૫ વર્ષના ઓપરેશન એન્ડ
મેઈન્ટેનન્સ સાથે સિંગલ ટેન્ડરથી કામ
આપવામાં આવ્યુ છે.વી.વી.આઈ.પી.અને વી.આઈ.પી.ઓને
સારુ બતાવવાના નામે અમદાવાદના ગ્રીન કવરમાં વધારો થયો હોવાનો દાવો કરતા
મ્યુનિ.તંત્રના અધિકારીઓએ જ આ રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓ દ્વારા વર્ષો અગાઉ
ઉગાડવામાં આવેલા વૃક્ષો કાપી નાંખવા મંજુરી આપેલી છે.જયાં વનવિભાગની નર્સરી હતી એ
સ્થળે હાલ માત્ર એક નાની ઓફિસ જોવા મળી
રહી છે.
રોડ વાઈડનીંગની નામે જોધપુર વોર્ડમાં ૬૫ પૈકી ૮ વૃક્ષ કપાયા
રોડ વાઈડનીંગના નામે દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર ઉપરાંત
વેજલપુર અને સરખેજ વોર્ડમાં નાના-મોટા મળી ૬૫ વૃક્ષ કાપવા મ્યુનિ.ના ગાર્ડન વિભાગ
દ્વારા મંજુરી આપવામાં આવી હતી.મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ
પટેલના કહેવા મુજબ,અત્યારસુધીમાં
૮ વૃક્ષો રોડ વાઈડનીંગ માટે કાપવામાં
આવ્યા છે.બાકીના વૃક્ષો હવે નહીં કાપવા એવો નિર્ણય તંત્ર તરફથી કરવામાં આવ્યો છે.
શહેરમાં પાંચ વર્ષમાં ઝોનવાઈસ કયાં-કેટલુ પ્લાન્ટેશન
વર્ષ વૃક્ષારોપણ
૨૦૧૭-૧૮ ૪૬૩૮૬
૨૦૧૮-૧૯ ૮૪૮૪૯
૨૦૧૯-૨૦ ૧૧,૬૬,૩૮૭
૨૦૨૦-૨૧ ૧૦,૧૩,૮૫૬
૨૦૨૧-૨૨ ૧૨,૮૨,૦૧૪
૨૦૨૨-૨૩ ૨૦,૭૫,૪૩૧
કયા વર્ષમાં કેટલા વૃક્ષ કાપી નંખાયા
વર્ષ કપાયેલા
વૃક્ષ
૨૦૧૦-૧૧ ૨૧૯
૨૦૧૧-૧૨ ૯૧૪
૨૦૧૨-૧૩ ૯૯૧
૨૦૧૩-૧૪ ૭૬૯
૨૦૧૪-૧૫ ૩૨૫
૨૦૧૫-૧૬ ૨૨૦૦
૨૦૧૬-૧૭ ૨૬૩૦
૨૦૧૭-૧૮ ૩૭૭૧
૨૦૨૦-૨૧ ૧૬૯૫
૨૦૨૧-૨૨ ૧૪૬૫
૨૦૨૨-૨૩ ૧૫૦૦