HMPV in Ahmedabad: એચએમપીવી વાઇરસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ આ 2 મહિનાના બાળકને સારવાર માટે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, આ બાળકનો પરિવાર મૂળ મોડાસા નજીકના એક ગામનો છે. આ બાળકની તબિયત લથડતા તેને અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. અહીં તેની સારવાર ચાલુ છે અને હાલત સ્થિર છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે.
કેન્દ્રની ગાઇડલાઇનને ગુજરાત અનુસરશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે.
આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ‘હજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણે તકેદારીના પગલાં ભાગરૂપે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે.’
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.