અમદાવાદ,બુધવાર
નિકોલમાં ફેક્ટરી માલિકને નાણાં બમણા કરી આપવાની લાલચ આપીને તેની હત્યા કરવાના કાવતરાનો પર્દાફાશ કરીને સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાને ઝડપીને સઘન પુછપરછ હાથ ધરી છે. ત્યારે ચોકાવનારો ખુલાસો થયો હતો તે ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણ સ્થિત તેના મઠમાં દાટી દેવાના પ્લાનીંગમાં હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ વઢવાણ સ્થિત મઠ પર તપાસ કરશે. પોલીસને ભુવા સાથે કામ કરતા એક વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તેવી થિયરી ઉભી કરવાનો પ્રયાસ હતો. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયા એને તેમના સ્ટાફે નવલસિંહ ચાવડા નામના ભુવાની ધરપકડ કરીને એક વ્યક્તિને હત્યાની અને નાણા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વેજલપુરમાં રહેતા નવલસિંહ ચાવડાએ નિકોલમાં ફેક્ટરી ધરાવતા વ્યક્તિને ૧૫ લાખના બમણા નાણાં કરી આપવાનું કહીને નાણાં સાથે બોલાવીને તેની હત્યા કરવાનો હતો
. આ અંગે સરખેજ પોલીસે નવલસિંહની આકરી પુછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે ૧૫ લાખની રકમ લીધા બાદ ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણમાં આવેલા તેના મઠની જમીનમાં દાટી દેવાનો હતો. આ ઉપરાંત, પોલીસને તેની સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી. જે ફેક્ટરી માલિકના નામની હતી. જે અંગે પુછપરછ કરતા તેણે વધુ એક ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે ફેક્ટરી માલિકને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે ચિઠ્ઠી મુકીને જતો રહેવાનો પ્લાન પણ બનાવતો હતો. જેથી કોઇને શંકા ન ઉપજે. આમ, નવલસિંહની ચોંકાવનારી કબુલાતને પગલે પોલીસ પમ ચોંકી ઉઠી હતી.
આમ, નવલસિંહે અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કર્યાની પુરેપુરી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે અને વધુ તપાસ માટે એક ટીમને વઢવાણ ખાતે મોકલવામા આવશે. જો કે પુછપરછમાં આરોપી અનેક માહિતી છુપાવતો હોવાની આશંકાને પગલે તેનો નાર્કોટેસ્ટ પણ કરાશે.