અમદાવાદ,સોમવાર,6 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૯૩ જેટલા ટેકનિકલ
સુપરવાઈઝરની ભરતી કરવા પ્રક્રીયા કરાઈ હતી. દરમિયાન ત્રણ ઉમેદવારોને મળેલા માર્કસ
સાથે ચેડાં કરી તેમને નિમણૂંક અપાઈ હોવાનું બહાર આવતા ત્રણેના ઓર્ડર રદ કરી સેન્ટ્રલ
ઓફિસના હેડ કલાર્કને સસ્પેન્ડ કરાયા હતા. આ ભરતીકાંડમાં મ્યુનિ.ના પૂર્વ અને
વર્તમાન કર્મચારીઓની સંડોવણી હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્તુળોંમાં ચર્ચાઈ
રહયુ છે.દરમિયાન કારંજ પોલીસ દ્વારા સેન્ટ્રલ ઓફિસના કેટલા કર્મચારી-અધિકારીઓના
ભરતીકાંડ મામલે અત્યારસુધીમાં નિવેદન લેવામાં આવ્યા એ મામલે તંત્રના અધિકારીઓએ મૌન
સેવી લીધુ છે.
મ્યુનિસિપલ તંત્ર તરફથી જે ત્રણ ઉમેદવારોના પ્રોબેશન ઓર્ડર
રદ કરવામાં આવ્યા છે. આ પૈકી એક ઉમેદવાર હાલ શહેરના એક વોર્ડમાં પી.એચ.એસ.તરીકે
ફરજ બજાવતા કર્મચારીની પુત્રી હોવાનુ તેમજ અન્ય એક ઉમેદવાર મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં અગાઉ ફરજ બજાવનારા એક અધિકારીના સંબંધી હોવાની મ્યુનિસિપલ
વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાંરજ પોલીસ
સ્ટેશનમાં ભરતીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવ્યા પછી પોલીસ રોજ મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે,પરંતુ આ
ભરતીકાંડમાં મ્યુનિ.તંત્રમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની બેદરકારી અને સંડોવણી
તપાસમાં બહાર આવે એવી સંભાવના હોવાના પગલે આ મામલે મ્યુનિ.તંત્રના અધિકારીઓ કાંઈ
બોલવા તૈયાર નથી.