Vadodara : લક્ષ્મીચંદ ભગાજીના થાપણદારોને મુંબઈ હાઇકોર્ટના આદેશ મુજબ રૂ.5000ના ચૂકવણા અંગે એફડી ધારકોએ ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી માહિતીની અરજી કરવાથી યોગ્ય ચકાસણી બાદ આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે શ્રમ સાધના બિલ્ડિંગમાં લક્ષ્મીચંદ ભગાજી લિમિટેડ ડિપોઝીટર્સ મેનેજમેન્ટ કમિટીની ઓફિસ આવેલી છે. મુંબઈ હાઇકોર્ટ દ્વારા કંપની પિટિશન નં.76-1991 વચગાળાની અરજીના આધારે ફિક્સ ડિપોઝિટ ધારકોને એલબીડીએમસીમાં દર્શાવેલ રકમ એલબી લિમિટેડના થાપણદારોને આપવામાં આવશે. આ રકમ બાકીના ફિક્સ ડિપોઝિટ મૂકનારાને ચૂકવવાની છે કે જેમણે તેમની અસલ એફડી સબમીટ કરી દીધી છે અને તેમની પાસે રૂપિયા 5000 સુધીની ફિક્સ ડિપોઝિટની પાવતીઓ છે, ચૂકવણી માન્ય અરજીદારોને વહેલા તે પહેલાના ધોરણે અપાશે. નાણાં વિતરણને સરળ બનાવવા માટે એલબી લિમિટેડના પાત્ર થાપણદારોની વિગત, ફિક્સ ડિપોઝિટની રસીદની તમામ વિગત, બેન્કિંગની વિગતો સહિત અન્ય તમામ સાથે ઓનલાઇન ફોર્મ ભરીને મોકલવાની રહેશે. ઓનલાઇન લિંક પર જઈને પણ ફોર્મ ભરી શકાશે અથવા આપેલા ક્યુઆર કોડ સ્કેન કરીને જે લિંક દેખાય તેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા જણાવ્યું છે. ઓનલાઇન ફોર્મમાં તમામ વિગતો ભરી તેમાં જરૂરી માહિતી અપલોડ કરીને ફોર્મ ઓનલાઈન સબમીટ કરવું જરૂરી છે. આ અંગે કોઈ સમસ્યા કે તકલીફ હોય તો તેની વિગત એલબીડીસીએમના ઈ મેલ પર મોકલવાની રહેશે. જોકે આ અંગે પોસ્ટ દ્વારા મોકલાવેલી અરજીઓ માન્ય રખાશે નહીં તેમ જણાવ્યું છે ફક્ત ઇમેલની અરજીઓને ધ્યાનમાં લેવાશે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં થાપણદાર આપેલા હેલ્પલાઇન નંબર પર કામકાજના દિવસોમાં બપોરે ત્રણ થી છ વાગ્યા દરમિયાન સંપર્ક કરી શકશે. અરજદાર દ્વારા કરાયેલી અરજીની વિગતો પ્રાપ્ત થયા પછી તેની ચકાસણી કરાયા બાદ જ એલબીડીસીએમ થાપણદારોને નેટ બેન્કિંગ દ્વારા રકમની ચુકવણી કરશે. આ પ્રક્રિયા આગામી એપ્રિલ માસ પછીના પ્રથમ સપ્તાહની આસપાસ શરૂ થશે તેમ એલબીડીસીએમના સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવાયું છે.