અમદાવાદ,ગુરુવાર,27 ફેબ્રુ,2025
અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં
આવેલી ગલીમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ખુલ્લા વીજ વાયરથી
કોન્ટ્રાકટર દ્વારા નાંખવામાં આવેલા સળીયામાં વીજ કરંટ આવતા આઠ વર્ષની બાળકીને વીજ
કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઘટના પછી મ્યુનિ.તંત્રના અધિકારીઓ
યોગ્ય જવાબ આપતા નહીં હોવાનું કારણ આગળ ધરીને ગુરુવારે સવારે ભાજપના કોર્પોરેટરો
અસારવા સબઝોન કચેરી ખાતે પહોંચ્યા હતા.જયાં તેમણે કચેરીને તાળું મારી દીધુ હતુ.
ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, નીલકંઠ મહાદેવ
મંદિરની બાજુમાં આવેલી ગલીમાં કોન્ટ્રાકટર
દ્વારા આર.સી.સી.રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી. જે સમયે વીજ કરંટ લાગવાથી એક
બાળકીને કરંટ લાગવા ઉપરાંત બે કૂતરાંને પણ કરંટ લાગ્યો હતો.જે પૈકી એક કૂતરાંનું
મોત થયુ હતુ. આ ઘટનાની જાણ થતાં ભાજપના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના
અધિકારીઓનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમને યોગ્ય જવાબ આપવામા આવ્યો નહતો.આધારભૂત
સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,
વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઈજનેરે કોર્પોરેટરોના ફોન નહીં ઉપાડતા કોર્પોરેટરોમાં
ભારે રોષ ફેલાતા ગુરુવારે સવારે દિશાંત ઠાકોર, ઓમપ્રકાશ પ્રજાપતિ,
અનસૂયાબેન પટેલ તથા મેનાબેન પટ્ટણી અસારવા સબઝોન કચેરી પહોંચ્યા હતા.જયાં
કચેરીને તાળું મારી દીધુ હતુ.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા મ્યુનિસિપલ ભાજપના
નેતા ગૌરાંગ પ્રજાપતિએ અસારવા વોર્ડના કોર્પોરેટરોને બોલાવી બનેલી ઘટના અંગે વિગત
મેળવી હતી.
શિવરાત્રીના દિવસે તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી, આસિ.કમિશનર
નીલકંઠ મહાદેવ પાસે રોડ બનાવવાની કામગીરી દરમિયાન કરંટ
લાગવાની ઘટના બની હતી.જે અંગે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ઈન્ચાર્જ ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનર, એડીશનલ
સિટી ઈજનેરને જાણ કરતા ટીમ દ્વારા તરત એકશન લેવામા આવ્યા હતા.ટોરેન્ટની ટીમ અને
મ્યુનિ.લાઈટ ખાતા તથા કોન્ટ્રાકટરની ટીમે શિવરાત્રીના દિવસે જ સ્થળ ઉપર તપાસ કરી
પ્રશ્નનું નિરાકરણ કરી દીધુ હોવાનું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લંગાળીયાએ
કહયુ છે.