Ahmedabad Crime Branch: રાજકોટમાં CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીસીટીવી હેક કરીને વેચનારા વધુ ત્રણ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હેકર્સ ટેલિગ્રામના માધ્યમથી CCTV હેક કરવાનું શીખ્યા હતાં. 9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવીના ફૂટેજ મેળવી આ ફૂટેજને ટેલિગ્રામ ચેનલ પર વેચતા હતાં. જોકે, હજું એક આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી વીડિયો મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરીત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતાં. જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબીન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઇડી પર વીડિયોનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રનો વૈભવ બંડુ માને જે પ્રજવલ તૈલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનુ માર્કેટિંગ કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે આપી માહિતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીએ આ વિશે જણાવ્યું કે, આ આરોપીઓએ એક વર્ષ પહેલાં ટેલિગ્રામના માધ્યમથી હેકિંગ કરવાનું શીખ્યું હતું. ત્યારબાદ તેઓએ સીસીટીવી હેક કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં 9 મહિનામાં તેમણે 50 હજારથી વધુ સીસીટીવી કેમેરા હેક કર્યાં છે. આ સિવાય આ લોકો હેકિંગ માટે જે પદ્ધિતિનો ઉપયોગ કરતાં હતાં તેનો પણ ખુલાસો થયો છે. તેઓ બે સોફ્ટવેર અને ટૂલના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતાં અને તેના ઉપયોગથી સીસીટીવી હેક કરતાં હતાં.
કેવી રીતે બન્યાં હેકર?
આરોપી રાયન પરેરા અને રોહિત સિસોદિયા પહેલાંથી મિત્ર હતાં અને બાદમાં તેઓ ધામેલાના સંપર્કમાં આવ્યા અને ત્રણેયે સાથે આ કામ શરૂ કર્યું હતું. આ લોકોએ પહેલાં તો યુટ્યુબ અને ટેલિગ્રામ પર હેકિંગના વીડિયો જોતા હતાં. બાદમાં તેમની મિત્રતા ટેલિગ્રામમાં એક અન્ય આઈડી અને ગ્રુપ સાથે થઈ હતી. જોકે, આ આઈડી અને ગ્રુપ હાલ પોલીસને મળી નથી રહ્યું કારણ કે, તે ડિલિટ કરી દેવાયું છે. આરોપીઓ પાસે પણ એ લોકોની બીજી કોઈ માહિતી નથી. પરંતુ, આ લોકો એ ટેલિગ્રામ ચેનલથી જ સીસીટીવી હેક કરવાનું શીખતા હતાં.
આ પણ વાંચોઃ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો
ભારતની બહાર પર વેચતા હતાં વીડિયો
આ વિશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, રોમાનિયાના આઈપી એડ્રેસ પણ મળ્યા છે, જેની હજુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વીપીએનનો ઉપયોગ કરતા હોવાથી આ પણ ખૂબ મુશ્કેલીથી જાણ થઈ છે. જોકે, હજું એક શંકાસ્પદ ઈન્સ્ટા આઈડી મળ્યા છે. જેમાં હોસ્પિટલના વીડિયો જોવા મળ્યા છે. આ અન્ય શંકાસ્પદ આઈડી બાંગ્લાદેશનું છે અને ત્યાંથી જ ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. બાંગ્લાદેશનો મોબાઈલ નંબર પણ મળ્યો છે. જેથી એવું પણ પ્રસ્થાપિત થાય છે કે, વીડિયો ભારતની બહાર પણ વેચવામાં આવતા હતાં.
સૌથી વધુ હોસ્પિટલ અને બેડરૂમના વીડિયોની થતી ડિમાન્ડ
હેકર્સની ટોળકીએ આ સીસીટીવી વેચીને 5-6 લાખ રૂપિયા કમાયા છે. આ લોકો કોઈ ચોક્કસ જગ્યા ટાર્ગેટ નહતાં કરતાં. તેઓ તમામ સીસીટીવી હેક કરવાનો પ્રયાસ કરતાં. જેમાંથી જે સરળતાથી હેક થઈ જાય તેની ફૂટેજ મેળવી વેચાણ કરતાં. હાલ, પોલીસ તપાસ કરી રહી છે કે, બીજી કઈ જગ્યાના આ લોકોએ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ સિવાય આ લોકોનો અન્ય સાથી મિત્ર રોહિતની પણ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ અન્ય બીજા કેટલાં લોકોને વીડિયોનું વેચાણ કરવામાં આવ્યું છે, તે વિશે પણ તપાસ કરી રહ્યાં છીએ. આ આરોપીઓ પાસે સૌથી વધુ બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયોની ડિમાન્ડ કરવામાં આવતી હતી. આ તમામ લોકો ડિમાન્ડ અને સપ્લાઈ મુજબ કામ કરતા હતાં. જેમાં 50-60 હજાર જેટલાં વીડિયોમાંથી વેચી શકે તેવું કોન્ટેન્ટ ફક્ત 5-10 મળતું, જેને આરોપીઓ વેચાણ માટે મૂકતા હતાં.
ટેલિગ્રામ પાસે માંગ્યો જવાબ
આ મુદ્દે ટેલિગ્રામને પ્રશ્નોત્તરી લખવામાં આવી છે. અને તેને બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. ટેલિગ્રામના જવાબ બાદ આગળ એક્શન લેવામાં આવશે. પોલીસે આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડ ડ્રાઈવ જપ્ત કર્યાં છે. કારણ કે, આરોપી તમામ વસ્તુ લેપટોપ અને મોબાઈલ ફોનથી જ ઓપરેટ કરતાં હતાં. આ અગાઉ જે આરોપી પકડાયા હતાં, તેની કડીથી જ આ લોકો પણ સામે આવ્યાં છે.