અમદાવાદ,સોમવાર
અમદાવાદ શહેર પોલીસના ૧૩ જેટલા વહીવટદારોની જિલ્લા બહાર બદલી કર્યા બાદ ડીજીપીએ સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપી હતી.આ તપાસ સંદર્ભમાં નિર્લિપ્ત રાયે ૧૩ વહીવટદારો પાસે અનેક નાણાંકીય વિગતોની માંગણી કરી હતી. આ બાબતે વાંધો ઉઠાવીને ત્રણ વહીવટદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. પરતુ, પોલીસે આ બાબતની ગંભીરતા અંગે રિપોર્ટ આપતા ત્રણેય પોલીસ કર્મીઓએ પીટીશન પરત ખેંચી હતી. અમદાવાદમાં નવેમ્બર મહિનામાં કાયદો અને વ્યવસ્થાના મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આકરા પગલા લઇને ૧૩ વહીવટદારોની બદલી અન્ય જિલ્લામાં કરીને તમામ વહીવટદારો વિરૂદ્ધની તપાસ સ્ટેટ મોનીટીંગના વડા નિર્લિપ્ત રાયને સોંપી હતી. આ કેસની તપાસ સંદર્ભમાં તમામ વહીવટદારો પાસેથી અનેક વિગતો માંગી હતી.
જેમાં વહીવટદાર અને પરિવારનો વિદેશ પ્રવાસ, સંપતિમાં રોકાણ, ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સ, ફર્નિચર , પીપીએફ, ક્રેડિટ કાર્ડ,બેંકના લોકર, સોના ચાંદીના દાગીનાની ખરીદીની વિગતો, મેડીક્લેઇમ અને ક્લબ મેમ્બરશીપની વિગતો માંગી હતી. એસએમસી દ્વારા માંગવામાં આવેલી વિગતો અને બદલી અંગે વાંધો ઉઠાવતા હેડ કોન્સ્ટેબલ કેયુર બારોટ, હેડ કોન્સ્ટેબલ સિરાજ મન્સુરી અને પોલીસ કોન્સ્ટેબલ સમીઉલ્લા ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કેસને લગતી તમામ વિગતો સબમીટ કરી હતી. જો કે સોમવારે પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચી હતી. જેથી હવે સમગ્ર કેસની તપાસ યથાવત રહેશે.