અમદાવાદ,મંગળવાર,25 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનના વિવિધ
વોર્ડમાં બાકી મિલકતવેરો વસૂલવા કુલ ૪૨૪૨ કોમર્શિયલ મિલકત સીલ કરાઈ હતી. સાત
ઝોનમાં એક જ દિવસમાં રુપિયા ૧૫.૧૨ કરોડની રકમ
પ્રોપર્ટીટેકસ પેટે વસૂલ કરાઈ હતી.પશ્ચિમ ઝોનમાં આવેલી રહેણાંક મિલકતોમાં
બાકી ટેકસ ધારકોની ૩૯૨૮ મિલકત માટે વેરા
વસૂલી માટે નોટિસ આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં પાલડી,નવરંગપુરા
ઉપરાંત આશ્રમરોડ, નવા વાડજ
તથા રાણીપ વોર્ડમાં આવેલા વિવિધ કોમર્શિયલ
કોમ્પલેકસમાં બાકી કરવેરો વસૂલવા ૧૮૫૦ કોમર્શિયલ મિલકતને ટેકસ વિભાગે સીલ માર્યા હતા.રુપિયા ૨.૩૦ કરોડની
બાકી કરવેરાની વસૂલાત કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા શાંતિપુરા ચોકડી
વિસ્તાર, ઉજાલા
ક્રોસ રોડ, વેજલપુર,ગ્યાસપુર સહીતના
અન્ય વિસ્તારોમાં ૨૩૨ મિલકતને સીલ કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બાકી મિલકતવેરો
નહીં ભરતા સાત મિલકતધારકોની મિલકતની હરાજી કરાઈ હતી.બાકી મિલકતવેરા પેટે રુપિયા
૨.૬૦ કરોડની વસૂલાત કરાઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ માર્ચથી રહેણાંક
મિલકત માટે બાકી કર ભરનારાને ૧૦૦ તથા કોમર્શિયલ મિલકત માટે બાકી કરવેરો ભરનારાને
૭૫ ટકા વ્યાજ માફી અપાઈ રહી છે.
એક દિવસમાં ઝોન મુજબ થયેલી આવક
ઝોન સીલ મિલકત આવક(કરોડમાં)
મધ્ય ૫૫૦ ૨.૪૩
ઉત્તર ૪૧૨ ૧.૧૬
દક્ષિણ ૩૭૭ ૩.૧૯
પૂર્વ ૪૬૭ ૧.૪૧
પશ્ચિમ ૧૮૫૦ ૨.૩૬
ઉ.પ. ૩૫૪ ૧.૮૪
દ.પ. ૨૩૨ ૨.૭૨
કુલ ૪૨૪૨ ૧૫.૧૨