Champions Trophy 2025 Final At Dubai: ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ક્રિકેટરસિયાઓનો આજે (નવમી માર્ચ) રોમાંચક બનાવશે. તો, ચેમ્પિયન્સ ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતાં ગુજરાતના બુકીઓને જલસા પડી ગયાં છે. ગુજરાતના બે ડઝન મુખ્ય બુકીઓ દુબઈ પહોંચી ચૂક્યાં છે તો તેમના હાથ નીચે કાર્યરત 150 બુકીઓ ગોવામાં છે. સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરિફાઈ એવી વધી છે કે,બુકીઓને ગોવામાં સટ્ટા ટુરિઝમ સાથે સેમિફાઈનલથી ફાઈનલ મેચ વચ્ચે ત્રણ દિવસ ફ્રી કેસિનો સહિતની સુવિધાઓ, એરફેર સહિતના લાભો આપવામાં આવ્યાં છે. બશર્તે, બુકીઓ રવિવારે કરોડો રૂપિયાના બુકિંગ કરશે.
ગુજરાતના અનેક ટોચના બુકીઓ દુબઈ પહોંચી ગયાં
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ગુજરાતમાંથી મહત્તમ ધંધો મેળવવા માટે ટોચના ત્રણ બુકીઓએ ગુજરાતના ટોપના બે ડઝન બુકીઓને દુબઈ સટ્ટા ટુરિઝમ કરાવ્યું છે. હોટલમાં રહેવા, ખાવા, પીવા અને અન્ય જાહોજલાલી ઉપરાંત લાઈવ મેચ જોવા સાથે સટ્ટા બુકિંગનું સંચાલન કરવા સવા બે લાખ અને ત્રણ લાખ રૂપિયાની બોક્સ ટિકિટ્સ આપવામાં આવી છે. સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત-પાકિસ્તાન મેચ પહેલાંથી જ ગુજરાતના અનેક ટોચના બુકીઓ દુબઈ પહોંચી ગયાં છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પૂરી થયાં પછી ટૂર્નામેન્ટના હિસાબ-કિતાબ અને નાણાંકીય લેવડ-દેવડ કરીને મોટા બુકીઓ આવનારાં 15 દિવસમાં તબક્કાવાર પરત ફરશે.
બુકીઓને સટ્ટા માટે ગોવા શિફ્ટ કરી દેવામાં આવ્યાં
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની મેચોમાં સટ્ટાનું સંચાલન દુબઈથી થયું. દુબઈ બેઠેલાં બુકીઓએ કરેલા આયોજન મુજબ, સેમિફાઈનલથી ગુજરાતના 150 જેટલા બુકીઓને સટ્ટા માટે ગોવા શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. આ બુકીઓને એરટિકિટ સાથે જ સોમવાર સુધી રહેવા, જમવા, કેસિનો ઉપરાંત કારની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બુકી બજારના સૂત્રોનું કહેવું છે કે, સેમિફાઈનલ મેચ પછીથી રવિવારે ફાઈનલ વચ્ચેના દિવસોમાં ગુજરાતથી ગયેલા બુકીઓ ખાઓ, પીવો અને એશ કરોની મજા માણી રહ્યાં છે. જો કે, આજે ફાઈનલ મેચની સવારથી જ અમદાવાદ અને ઉત્તર ગુજરાતથી ગયેલાં બુકીઓ અને સટ્ટા બુકિંગ લેનાર તેમના ખાસ માણસો વિલા હાઉસોમાં નેટવર્ક ગોઠવીને બેસી જશે.
ટોચના બુકી સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત-ભારતના બુકીઓ માટે દુબઈ સટ્ટાનું હેડકવાર્ટર બની ચૂક્યું છે. આ વર્ષે દુબઈ બેઠાં-બેઠાં સટ્ટાનું સંચાલન કરી રહેલાં બુકીઓએ તેમના પેટા બુકીઓ માટે ગોવામાં આયોજન કર્યાં છે. દુબઈ ઉપરાંત ગોવામાં સટ્ટા ટુરિઝમ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને બુકીઓ ગુજરાતના ખેલીઓ પાસેથી અબજો રૂપિયાનો ધંધો મેળવશે. ઓનલાઈન સટ્ટામાં હવે ક્રિકેટ બેટિંગ સાઈટ્સનો રાફડો ફાટ્યો હોવાથી હરિફાઈ ચરમસીમાએ પહોંચી છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના બુકીઓ પોલીસથી બચીને ગોવા બેઠાં-બેઠાં સટ્ટાનું સંચાલન કરશે. અમદાવાદ કે ગુજરાતમાં આ બુકીઓના પન્ટરો કે ખેલીઓ અગર ઓનલાઈન સટ્ટો બુક કરતાં કે રમતાં પકડાય તો પોતાનું નામ ન ખૂલે તેનું મેનેજમેન્ટ પણ કરાયાનું બુકીઓ કહી રહ્યાં છે. એકંદર, રવિવારે ક્રિકેટ રસિયાઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માણવાના આયોજન કરી ચૂક્યાં છે, ત્યારે બુકી બજાર દુબઈ અને ગોવાથી ગુજરાતમાં અબજો રૂપિયાના સટ્ટા બુકિંગ માટે સજ્જ છે. આયોજન કરી ચૂક્યાં છે.
ભારતની જીતનો ભાવ 44 પૈસા અનેન્યુઝીલેન્ડના સવા 2 રૂપિયા
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ભારત ફેવરીટ છે. ભારત જીતે તેનો ભાવ 44 પૈસા સામે ભારતની હારનો ભાવ 46 પૈસા છે. ભારતની જીત ઉપર 100 રૂપિયાનો દાવ લગાવવામાં આવે અને ખેલી જીતે તો 144 રૂપિયા મળે અને ભારત હારે તો 100 રૂપિયા ગુમાવે. જ્યારે ભારતની હાર ઉપર ખેલી જીતે તો 146 રૂપિયા મળે.ન્યુઝીલેન્ડની જીતનો ભાવ સવા બે રૂપિયા છે. આ ઉપરાંત ફેન્સી સટ્ટાના સોદામાં પહેલી દસ ઓવરમાં 55-57 રન, ભારતની પહેલી વિકેટ 33 રને અનેન્યુઝીલેન્ડની પહેલી વિકેટ 63 રને પડશે તેના ઉપર સટ્ટો બુક થઈ રહ્યો છે. ગીલ 40-42 રન, રોહીત શર્મા 4-5 બાઉન્ડ્રી તેમજ મેચની બન્ને ઈનિંગમાં 11-12 સિક્સર લાગશે તેમજ બન્ને ટીમની કુલ 16 વિકેટો પડશે તેના ઉપર સટ્ટાના ભાવ લગાવાઈ રહ્યાં છે.
અમદાવાદના અનેક કેફે-બેન્કવેટમાં 2000થી 5000 રૂપિયામાં મેચ વીથ ડીનર
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ મેચ હોવાથી અમદાવાદમાં રવિવારની સાંજે રસ્તાઓ અને ફરવાના સ્થળો ઉપર સુનકાર રહેશે. અમદાવાદના અનેક કેફે, બેન્કવેટ અને ફાર્મ હાઉસોમાં મોટી સ્ક્રીન ઉપર મેચ જોવાની મજા માણવા ક્રિકેટરસીકો ગુ્રપમાં એકત્ર થવાના છે. શહેરના બે ડઝનથી વધુ કેફે અને બેન્કવેટમાં 2000થી 5000 રૂરિયામાં મેચ વીથ ડીનરના આયોજન કરવામાં આવ્યાં છે. તો, અમદાવાદ અને ગાંધીનગરના અનેક ફાર્મહાઉસોમાં મિત્ર વર્તુળમાં એકત્ર થઈને મોટી સ્ક્રીન સાથે મેચની મહેફીલ પણ જામશે.