અમદાવાદ,શુક્રવાર
શહેરના રાણીપ વિસ્તારમાં ટેઇલરનું કામ કરતા વ્યક્તિએ
દિવાળીના તહેવાર ટાળે જ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. પોલીસની
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આઠ જેટલા માથાભારે વ્યાજખોરો તેમને સતત
માનસિક રીતે પરેશાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને તેમણે
આત્મહત્યા કરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના નવા વાડજમાં આવેલા મધુ ગોવિંદ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં
રહેતા ૪૫ વર્ષીય સમીરભાઇ પીઠડીયા નામના વ્યક્તિએ ગત ૧ નવેમ્બરના રોજ તેમના
બેડરૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મૃતક રાણીપમાં આવેલી મહેસાણા સોસાયટી
નજીક ફીટવેલ ટેઇલર નામની દુકાન ધરાવીને
વ્યવસાય કરતા હતા.
આ અંગે મૃતકના પત્ની
સોનલબેને ફરિયાદ નોંધાવી હતી કે સમીરભાઇએ નાણાંકીય સંકડામણમાં નેમીચંદ મારવાડી, અમરત રબારી, ઋતુરાજ, મદનલાલ મારવાડી, સુરજ દેસાઇ, વિનોદ ભરવાડ સહિત
અન્ય કેટલાંક લોકો પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણાં લીધા હતા. જેમાં અનેક લોકોને વ્યાજ
સાથે નાણાં ચુકવી આપ્યા હોવા છતાંય, વ્યાજખોરો તેમની દુકાને આવીને જાનથી
મારી નાખવાની ધમકી આપતા હતા. એટલું જ સમીરભાઇની કાર અને સ્કૂટર પણ ઉઠાવીને લઇ ગયા
હતા. સાથેસાથે ધમકી આપીને કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. જેથી માનસિક રીતે હતાશ
થઇને તેમણે આત્મહત્યા કરી હતી. આ અંગે વાડજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.