Gujarat Crime: કહેવાતા સુરક્ષિત રાજ્ય એવા ગુજરાતમાં જાણે કાયદો અને વ્યવસ્થાને કોઈ ગણકારતું જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. અમદાવાદના સિવિલ પાસેથી ગેરકાયદે હથિયારો સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા 2 પિસ્તોલ અને 6 કારતૂસ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીએ હથિયાર રાખવાની બાબતે ખુલાસો કરતાં કહ્યું કે, ભાઈની હત્યાનો બદલો લેવા માટે હથિયારો સાથે રાખતા હતા.
આ પણ વાંચોઃ ભાજપના જ ધારાસભ્યએ ખોલી દીધી સરકારની વિકાસની પોલ, 1990થી સત્તા છતાં વિકાસના નામે મીંડુ
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના શાહીબાગ સિવિલ હૉસ્પિટલ પાસે બે આરોપીઓ પોતાની સાથે પિસ્તોલ અને કારતૂસ લઈને ફરતા હતાં. જોકે, ATS એ પોતાને મળેલી બાતમીના આધારે બંને આરોપીને કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં જ ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે આ હથિયાર સાથે રાખ્યા હતા. સિરાજ ડૉન અને અફઝલ નામના શખ્સે તેના ભાઈની હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, બંને આરોપીની અગાઉ પણ ગુનાહિત કૃત્યોમાં સંડોવણી સામે આવી છે. બંને આરોપી પર અગાઉ ઘણાં ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ આણંદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો
ગુનો નોંધી કરાઈ અટકાયત
બંને આરોપીની ઓળખ મુનાફ મકડ અને તૌસીફ ખાલિયાની તરીકે થઈ છે. મુનાફની ઉંમર 34 વર્ષ અને તૌસીફની 23 વર્ષ છે, બંને આરોપી બોટાદના રહેવાસી છે. હાલ, બંને આરોપીને કસ્ટડીમાં લઈ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.