Coldplay Concert Tickets : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારી કરનારો શખ્સ ઝડપાયો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વધુ ભાવે ખોટી રીતે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ કરતાં વધુ બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
ટિકિટની કાળાબજારી કરનારા બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ઓનલાઈન ખરીદીને કેટલાક શખ્સો દ્વારા ખોટી રીતે વેચાણ કરવામાં આવી રહી હોવાની સામે આવ્યું છે. જેમાં રાણીપ ખાતે બે યુવકો બ્લેકમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ કરી રહ્યા હોવાની ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી.
સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે બોડકદેવના રહેવાસી વત્સલ કોઠારી અને બિસપ ખલાસની અટકાયત કરીને તપાસ કરતાં કોલ્ડપ્લે કોન્સર્ટની ચાર ટિકિટો મળી આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બંને શખ્સોએ રૂ.12500માં ઓનલાઈન ટિકિટ ખરીદી હતી અને 20000 રૂપિયામાં વહેંચવાની હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
6 ટિકિટ સાથે એકની ધરપકડ
મળતી માહિતી અનુસાર, 19 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદખેડા પોલીસને અક્ષય પટેલ નામના વ્યક્તિ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી હતી. જે 2500 રૂપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. અક્ષય પટેલ આ 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારિયા કરતો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.