અમદાવાદ,શુક્રવાર
પાલડીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વેપારીની પત્નીનું થોડા મહિના પહેલા અવસાન થતા તેણે બીજા લગ્ન કરવા માટે જાહેરાત આપી હતી. જેમાં એક રાજસ્થાનથી એક મહિલાએ તેના પતિનું અવસાન થયુ હોવાથી તેને પણ બીજા લગ્ન કરવાનું હોવાનું કહીને મળવાનું કહ્યું હતુ અને તે અન્ય કોઇ મહિલા વેપારીના ઘરે આવી હતી. જ્યાંથી તે નજર ચુકવીને સાડા આઠ લાખ રૂપિયાની રાકડ લઇનને ફરાર થઇ ગઇ હતી. પાલડીમાં રહેતા ૪૭ વર્ષીય ચિરાયુભાઇ (નામ બદલેલ છે)ની પત્નીનું થોડા મહિના પહેલા અવસાન થયુ હતું. જેથી તેમને બીજા લગ્ન કરવાના હોવાથી અખબારમાં જાહેરાત આપી હતી.
જે અનુસંધાનમાં તેમને ૧૪ દિવસ પહેલા સુભદ્રા નામની મહિલાનો ફોન આવ્યો હતો. પોતે રાજસ્થાનના જયપુરમાં રહેતી હોવાનું કહીને જણાવ્યું હતું કે તેમા પતિનું અકસ્માતમાં અવસાન થતા તેને પણ બીજા લગ્ન કરવા છે. બાદમાં લગ્નનું નક્કી કરવા માટે એકબીજાને મળવુ જરૂરી હોવાનું કહીને તે બુધવારે સવારે અન્ય એક મહિલા સાથે અમદાવાદ આવી ચિરાયુભાઇને મળવા આવી હતી અને બંને મહિલાઓ બપોરના સમયે તે આરામ કરવા માટે ચિરાયુભાઇના ઘરે સુતી હતી. બાદમાં સાજના સમયે રાજસ્થાન જવાનું હોવાનું કહીને આશ્રમ એક્સપ્રેસમાં જતી રહી હતી.
બાદમાં ઘરે આવીને ચિરાયુભાઇએ તપાસ કરી ત્યારે જોયુ તો બેડરૂમમાંથી રૂપિયા સાડા આઠ લાખની રોકડ અને સોનાનું પેંડલ ચોરી થઇ ગયું હતું. જેથી શંકા જતા તેમણે સુભદ્રા નામની મહિલાને કોલ કર્યા હતા. પરંતું, તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.