UGC Draft Regulations: યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રિક્રૂટમેન્ટ ઍન્ડ પ્રમોશન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ રૂલ્સ મુજબ યુનિવર્સિટીઓમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની કરવામાં આવી છે. હાલ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં સરકારના નવા કોમન યુનિવર્સિટી ઍક્ટ મુજબ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે. આ ઉપરાંત ભરતી અને બઢતીને લઈને યુજીસી દ્વારા નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક-ચાર વર્ષના નવા ડિગ્રી કોર્સ મુજબ ભરતીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
યુજીસી દ્વારા 2025ના નવા રેગ્યુલેશન્સનો ડ્ર્ર્રાફ્ટ
યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અધ્યાપકોની ભરતી માટે તેમજ આચાર્યોની ભરતી માટે અને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ બઢતી માટે હાલ યુજીસીના 2018ના રેગ્યુલેશન્સ અમલમાં છે, આ મુજબ ભરતી-બઢતીની પ્રક્રિયા થાય છે. યુજીસી દ્વારા 2025ના નવા રેગ્યુલેશન્સનો ડ્ર્ર્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. યુજીસી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નવા રેગ્યુલેશન્સમાં ભરતી અને બઢતીને લઈને ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે.
ડ્રાફટ નિયમો મુજબ 1991 પહેલાના પીએચડી હોલ્ડર ઉમેદવારને ભરતીમાં પાંચ ટકાની છૂટ મળશે. ભારતીય ભાષામાં પુસ્તક કે પ્રકરણ લખનારા અઘ્યાપક ઉમેદવારને તેમજ ભારતીય ભાષામાં કરેલા અભ્યાસને ભરતીમાં પ્રાથમિકતા અપાશે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના યુજી અને પીજીથી માંડી પીએચડી ડિગ્રી સુધીના લેવલ મુજબની રિક્રૂટમેન્ટ રૂલ્સ લાયકાતો નક્કી કરાઈ છે. 11મી જુલાઈ 2009 પહેલા પીએચડી કરનાર ઉમેદવારને આસિ. પ્રોફેસર, ફીઝિકલ એજ્યુકેશન ડિરેકટર અને આસિ. લાઇબ્રેરિયનની નિમણૂકમાં નેટ-સ્લેટમાંથી મુક્તિ મળશે. આસિ. પ્રોફેસરની નિમણૂક માટે યુજીમાં લેવલ-6 મુજબ 75 ટકા, પીજીમાં 6.5થી 7 લેવલ મુજબ 55 ટકા હોવા જોઈએ.
યુજીસીના નવા નિયમોમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષ
યુજીસી દ્વારા તૈયાર કરાયેલા આ મીનિમમ ક્વોલિફિકેશન્સ ઑફ અપોઇન્ટમેન્ટ ઍન્ડ પ્રમોશન ઑફ ટીચર્સ ઍન્ડ એકેડેમિક સ્ટાફ ઇન યુનિ. ઍન્ડ કૉલેજીસ રૂલ્સ 2025 ફાઇનલ થયા બાદ દેશની તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં ભરતી-નિમણૂકો માટે લાગુ પડશે. યુજીસી દ્વારા આ નિયમો સાથે કુલપતિની પસંદગી પ્રક્રિયા, નિમણૂક, વયમર્યાદા, લાયકાતો સહિતની પણ નવી જોગવાઈઓ જાહેર કરાઈ છે.
જેમાં સર્ચ કમિટીમાં ચાન્સેલર એટલે કે કુલાધિપતિના એક મેમ્બર (જે ચર્ચ કમિટીમાં ચેરમેન રહેશે), યુજીસી ચેરમેનના એક નોમીની મેમ્બર અને જે તે યુનિ.ના બોર્ડ-કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલા એક મેમ્બર સહિત ત્રણ મેમ્બર રહેશે. યુજીસીના આ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની રાખવામાં આવી છે તેમજ કુલપતિની ટર્મ પાંચ વર્ષની રખાઈ છે અને બીજીવાર નિમણૂંક એટલે કે રિ-અપોઇન્ટ પણ થઈ શકશે પરંતુ જે માટે પ્રક્રિયા કરવાની રહેશે. હાલ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે.
મહત્ત્વનું છે કે યુજીસી દ્વારા રેગ્યુલેશન્સનું પાલન નહીં કરનારી યુનિ. કૉલેજ માટે સજાની જોગવાઈ પણ કરાઈ છે. જે મુજબ કૉલેજને તમામ સ્કીમમાંથી ડિબાર્ડ તેમજ ડિગ્રી પ્રોગ્રામ માન્યતામાંથી ડિબાર્ડ કરવા સહિતની જોગવાઈ કરાઈ છે. જો કે હાલ તો યુજીસીના આ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સમાં સૂચનો બાદ સુધારા પણ થઈ શકે છે અને ગુજરાત સરકાર દ્વારા યુજીસીના આ નવા નિયમોને સરકારી યુનિ.ઓ માટે લાગુ કરાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. સરકારે અગાઉ ઘણા રૂલ્સ સ્વીકાર્યા નથી.