અમદાવાદ,શનિવાર,8 ફેબ્રુ,2025
અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત
સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ધાબા ઉપર વેલ્ડિંગની કામગીરી સમયે
તણખા ઝરતા નજીકમાં રહેલા લાકડાના કારણે આગ વિકરાળ બની હતી. ફાયર વિભાગ દ્વારા ૧૪
જેટલા વાહનોની મદદથી બે કલાકની જહેમત પછી આગ હોલવવામાં સફળતા મેળવી હતી. આગની
ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.
સાબરમતી વિસ્તારમાં ચીમનભાઈ પટેલ બ્રિજ ઉતરતા મેલડી માતાના મંદિર
પાસે સાબરમતી બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર શનિવારે
સવારના૬ કલાકની આસપાસના સમયે નિર્માણાધીન બિલ્ડિંગના
બીજા માળનુ ધાબુ ભરવાની કામગીરી ચાલી રહી હતી. ધાબા ઉપર વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલતી
હતી તે સમયે તણખા ઝરવાના કારણે નજીકમાં રાખવામાં આવેલા લાકડા અને પ્લાયવુડના જથ્થાને
કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા સાઈટ ઉપર કામ કરી રહેલા મજૂરોમાં દોડધામ મચી જવા
પામી હતી. દરમિયાન આગ લાગવા અંગે ફાયર વિભાગને જાણ કરવામા આવતા શહેરના વિવિધ ફાયર સ્ટેશન
ખાતેથી ૧૨ ગજરાજ, એક વોટર ટેન્કર
ઉપરાંત એક ફાયર ફાઈટર સાથે અધિકારીઓ અને ફાયર વિભાગના જવાનોને ઘટના સ્થળે આગ હોલવવાની
કામગીરી માટે તૈનાત કરી દેવામાં આવ્યા હતા.આગ હોલવાની કામગીરીમાં જોડાયેલા ફાયર વિભાગના
એક અધિકારીના કહેવા મુજબ,આગ લાગતા
સ્થળ ઉપર રાખવામાં આવેલા સ્પ્રીંકલરની મદદથી આગ હોલવવાના પ્રયાસ કરવામા આવ્યા હતા.પરંતુ
પવનના કારણે તથા સ્થળ ઉપર રાખવામા આવેલા લાકડા અને પ્લાયવુડના કારણે આગે જોતજોતામાં
વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ.