અમદાવાદ,ગુરુવાર,26
ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોના મહામારી ગયાને બે
વર્ષ થવા છતાં કોરોના ઉપરાંત કવોરી ઉદ્યોગની હડતાળના ઓઠા હેઠળ માનીતા
કોન્ટ્રાકટરોને લાભ ખટાવવામાં આવી રહયો છે. કવોરી ઉદ્યોગની હડતાળ દર વર્ષે આવતી
નથી. નિયત સમય મર્યાદામાં પુરા આવાસ નહીં બનાવનારા કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવાના
બદલે ચાંદખેડા, સરખેજ
ઉપરાંત સરદારનગર અને નિકોલ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પુરા આવાસ
નહીં બનાવનારા કોન્ટ્રાકટરોને આપવામાં આવેલી સમયમર્યાદામાં બે વર્ષ સુધીનો વધારો
કરી આપી શિરપાવ આપવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના
અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરખેજ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ
નંબર-૮૪-બી(મકરબા)ના ફાઈનલ પ્લોટ નંબર-૫૭માં ૯૫૨ આવાસ તથા ઈન્ટરનલ
ઈન્ફ્રાસ્ટ્રકચરની કામગીરી કરવા સાથે વર્ષ-૨૦૨૦માં રુપિયા ૫૫.૨૫ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર મારુતી ઈન્ફ્રાસ્ટ્રકચર
લી.ને કામગીરી આપવામાં આવી હતી.૭ મે-૨૦૨૪ સુધીની સમયમર્યાદામાં કોન્ટ્રાકટરે તમામ
આવાસ ઈન્ટરનલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે બનાવવાના હતા.સરદારનગર વોર્ડમાં પ્રધાનમંત્રી
આવાસ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૦માં ટી.પી.સ્કીમ નંબર-૯૯ના ફાઈનલ પ્લોટ નંબર-૧૦૮માં
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦૧૭ આવાસ બનાવવા રુપિયા ૬૨.૩૧ કરોડના ખર્ચથી
કામગીરી કરવા કોન્ટ્રાકટર વિધાતા એસોસીએટને કામગીરી આપવામાં આવી હતી.૨૬
એપ્રિલ-૨૦૨૩ સુધીમાં આવાસ બનાવવાના હતા.ચાંદખેડા વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ
નંબર-૨૦–એના
ફાઈનલ પ્લોટ નંબર-૫૮-૧માં ૨૮૦,ફાઈનલ
પ્લોટ નંબર-૫૮-૨માં ૮૪ આવાસ બનાવવા
કોન્ટ્રાકટર મારુતી ઈન્ફ્રાસ્ટ્રકચર લી.ને વર્ષ-૨૦૧૮માં બનાવવા વર્કઓર્ડર આપવામાં
આવ્યો હતો. આ જ કોન્ટ્રાકટરને નિકોલ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૧૦૩ના ફાઈનલ
પ્લોટ નંબર-૧૩૫માં ૬૦૮ આવાસ બનાવવા કામગીરી આપવામાં આવી હતી.કુલ ૯૭૨ આવાસ પૈકી આ
કોન્ટ્રાકટરે બનાવેલા ૩૬૪ આવાસનુ લોકાર્પણ થઈ ગયુ છે.૬૦૮ આવાસનુ કામ તાજેતરમાં
પુરુ કરવામા આવ્યુ છે.
કયા કોન્ટ્રાકટરને કેટલો સમય વધારી અપાયો?
નામ સમય
મર્યાદામાં વધારો વોર્ડ
મારુતી ઈન્ફ્રાસ્ટ્રકચર
૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધી સરખેજ
વિધાતા એસોસિએટસ ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધી સરદારનગર
મારુતી ઈન્ફ્રાસ્ટ્રકચર ૭ એપ્રિલ-૨૩થી ૫ જુલાઈ-૨૪ ચાંદખેડા,નિકોલ
કોન્ટ્રાકટરોએ કેટલા
ટકા કામગીરી કરી એ અધિકારી પણ કહી ના શકયા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવા અલગ અલગ
કોન્ટ્રાકટરોને જે તે વર્ષમાં વર્ક ઓર્ડર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં
આવ્યો હતો.સમયમર્યાદા પુરી થઈ ગયા પછી પણ કોન્ટ્રાકટરો તેમને આપવામા આવેલા
વર્કઓર્ડર મુજબ આવાસ બનાવી શકયા નથી. કયા કોન્ટ્રાકટરે કેટલા આવાસ બનાવ્યા અને
કેટલા ટકા કામગીરી પુરી કરી એ અંગે વિગત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ વિભાગના
અધિકારી પણ આપી શકયા નહતા.
ટેન્ડરની શરતોમાં પેનલ્ટી કરવાની જોગવાઈ છતાં પેનલ્ટી ના
કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ પ્રોજેકટ માટે
ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવે છે. ટેન્ડર સમયે તેની શરતોમાં જ સમયમર્યાદામા કામ
પુરુ કરવામા ના આવે તો કોન્ટ્રાકટરને પેનલ્ટી કરવાની જોગવાઈ કરવામા આવતી હોય
છે.કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવાના બદલે સમયમર્યાદામા વધારો કયા કારણથી કરી આપવામા
આવ્યો? તેવા
પ્રશ્નના જવાબમાં મ્યુનિ.ના અધિકારીએ કહયુ,
આ કોન્ટ્રાકટરો નવા એસ.ઓ.આર.ના બદલે જુના એસ.ઓ.આર.મુજબ કામ કરવા તૈયાર હોવાથી
પેનલ્ટી કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.