Ahmedabad News : જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન સિસ્ટમ (GIS) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી 19 લાખથી વધુ રહેણાંક તથા 6.50 લાખ કોમર્શિયલ મિલકતોને યુનિક નંબર આપી ઓળખ અપાશે. શહેરમાં આવેલી તમામ મિલકતોનું ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન, પ્રોપર્ટી ટેકસ , ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે. દરેક મિલકત આગળ યુનિક નંબર અપાશે. ડોર ટુ ડોર કર્મચારીઓએ જે તે મિલકતમાંથી કચરો ઉપાડયો હોવાનુ પુરવાર કરવા મિલકત આગળ લગાવાયેલા કયુ.આર.કોડને સ્કેન કરવો પડશે. મિલકત વિશેની માહીતી એક ક્લિક ઉપર મળી શકશે.
દેશમાં વારાણસી અને ગોવા ખાતે આવેલી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોને જીયોગ્રાફિકલ ઈન્ફ્રમેશન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીજીટલ મોડ ઉપર મુકવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં આવેલી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોના રેકર્ડસનું ડિજીટલાઈઝેશન કરવા નિર્ણય કર્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ કરવા સહીતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવશે.
તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી મિલકતોનુ માપ લેવા,તેના જીઓ ટેગ કરેલા ફોટા લેવા,વીજ તથા પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહીતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ ઉપર મુકાશે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે, અમદાવાદની તમામ મિલકતોને જીઓ ટેગથી આવરી લેવાની વાત સત્તાધારી પક્ષ માત્ર વાહવાહી મેળવવા માટે કરી રહયો હોવાનો આક્ષેપ કર્યો હતો.શહેરમાં વર્ષ 2024-25માં શહેરીજનો દ્વારા ચાર લાખ જેટલી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મ્યુનિ.તંત્રને ઓનલાઈન કરી હતી.ઓનલાઈન ફરિયાદોનો ત્વરીત નિકાલ તંત્ર કરી શકતુ નથી.છતાં જીઓ ટેગની વાત નિષ્ફળ જશે.
મિલકતવેરાની આવકમાં વધારો થવાની સંભાવના
શહેરમાં હાલમાં મ્યુનિસિપલ ટેકસ વિભાગના રેકર્ડ મુજબ 19 લાખથી વધુ રહેણાંક તથા 6.50 લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે. ડ્રોન સર્વે તથા મેપીંગ પછી વિવિધ પ્રકારની મિલકતોના વપરાશ કે બાંધકામમાં ફેરફાર, બાંધકામમાં વધારો જેવા કારણથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસની આવકમાં અંદાજે 30 થી 40 ટકા જેટલો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.સર્વે દરમિયાન નવી મિલકતોની સંખ્યામાં પણ 20 થી 30 ટકાનો વધારો થશે.પ્રોપર્ટી ટેકસના બિલ પણ મોબાઈલ ઉપર આપવાનુ તંત્ર દ્વારા વિચારણા કરાઈ રહી છે.