અમદાવાદ,શનિવાર
શહેરના ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં શુક્રવારે સવારે એક અજાણી યુવતીએ ઘુસી જઇને વૃદ્ધાની આંખમાં મરચાની ભૂંકી નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, વૃદ્વાએ પ્રતિકાર કરતા તે તેમને એક રૂમ પુરીને નાસી ગઇ હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય બાતમીને આધારે યુવતી અને તેના સાગરિતને ઝડપી લીધા હતા.
શહેરના ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં ડૉ. રાજેશ શાહ અને તેમના પત્ની પરાગબેન સાથે રહે છે. શુક્રવારે સવારે રાજેશ શાહ નિત્ય ક્રમ મુજબ લૉ ગાર્ડન ચાલવા માટે ગયા હતા અને પરાગબેન ઘરે એકલા હતા. ત્યારે સાડા આઠ વાગ્યાના સુમારે એક યુવતી આવી હતી તેણે બુકાની બાંધી હતી અને ગોગલ્સ પહેરેલા હતા. પરાગબેને તેને ઓળખતા ન હોવાથી બુકાની કાઢવાનું કહ્યું હતું. પરંતુ, આ સમયે પરાગબેન કઇ સમજે તે પહેલા તેણે પરાગબેનના ચશ્મા કાઢીને આંખમાં મરચાની ભૂંકી છાંટી દીધી હતી અને યુવતી પરાગબેનને પકડીને બાથરૂમમાં પુરવા માટે લઇ ગઇ હતી. પરંતુ, તેમણે પ્રતિકાર કરતા માથામાં અને હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં તેણે અન્ય પરાગબેનને અન્ય રૂમમાં બંધ કર્યા હતા. આ સમયે તેમણે તેમના ભાઇ અને પોલીસને જાણ કરી હતી. જેથી યુવતી નાસી છુટી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં યુવતી નાસી ત્યારે એક સ્કૂટર જતી હતી. જેથી ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસ ઇન્સેપક્ટર સી જી જોષી તેમજ ડી સ્ટાફ પીએસઆઇ જી આર આલ અને તેમના સ્ટાફે તપાસ કરી હતી. જેમાં યશ ભાવસાર (ઉ.વ.23) (રહે. તરૂ એપાર્ટમેન્ટ, ડી માર્ટ પાસે રાણીપ) અને રાખી ખુંટ (ઉ.વ .24) (રહે. કેવલ સોસાયટી,ચાંદલોડિયા) ને ઝડપી લીધા હતા.