અમદાવાદ,ગુરૂવાર
વાસણામાં આવેલા રાજયશ રાઇઝ કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસની
માલિકી અન્ય વ્યક્તિની હોવા છતાંય, ગઠિયાઓએ એક વ્યક્તિને
ઓફિસ ૩૭ લાખ રૂપિયામાં વેચાણ આપવાનું કહીને નાણાં લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે
વાસણા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓએ
ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે
વ્યક્ત કરી છે. શહેરના દાણીલીમડા શાહઆલમમાં આવેલા સમીર ડુપ્લેક્સમાં રહેતા
સલીમ શેખે વાસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે સલીમ શેખને
ધંધાકીય રોકાણ માટે ઓફિસ લેવાની હોવાથી તેમણે ગત ઓગસ્ટ ૨૦૨૨માં એક બ્રોકરની
મદદ લીધી હતી અને તેમને વાસણા વિશાલા સર્કલ પાસે આવેલા રાજયશ રાઇઝમાં એક ઓફિસ
વેચાણે હોવાથી ઇલીયાસ મોદન અને ઝુબેર મોહંમદ હનીફ મેમણ (જુહાપુરા) નો સંપર્ક
કરાવ્યો હતો. ત્યારબાદ મૌલિક રાદડીયા (સંસ્કાર ટેનામેન્ટ, નિકોલ) , પ્રતિક કેજરીવાલ (પોપ્યુલર ડોમેઇન, સેટેલાઇટ)સાથે પણ
મુલાકાત થઇ હતી.
બાદમાં એક ઓફિસ બતાવી હતી. આ ઓફિસની ડીલ ૩૭ લાખની નક્કી કરવામાં
આવી હતી. જેમાં તબક્કાવાર આરોપીઓએ નાણાં
લીધા હતા. પરંતુ, નાણાં લીધા બાદ ઓફિસનું પઝેશન આપ્યું
નહોતું. બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ પોતાની માલિકીની ઓફિસ
ન હોવા છતાંય, આરોપીઓએ
નાણાં લઇે છેતરપિંડી કરી હતી. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડની
તજવીજ હાથ ધરી હતી.