અમદાવાદ,શુક્રવાર
ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વિડીયો તેેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરાયો હતો. જો કે બાદમાં તે વિડીયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વિડીયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર છેલ્લા ૧૦૦થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઇ પત્તો લાગતો નથી. જેથી પકડવામાં સફળતા મળતી નથી. ત્યારે રાજકીય દબાણ હેઠળ પોલીસ માટે સતત ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રયાગરાજમાં કુંભ મેળામાં ગયો હોવાનો વિડીયો ખુદ તેના ડઇવર મુકેશસિંહ પરમાર દ્વારા તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરાયો હતો. જો કે એક જ કલાકમાં આ વિડીયો હટાવી દેવામાં આવ્યો હતો.
ગજેેન્દ્રસિંહ પરમારનો જન્મદિવસ હોવાથી પોસ્ટમાં શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ વિડીયોમાં ગજેન્દ્રસિંહનો પિતરાઇ ભાઇ વિરેન્દ્રસિંહ અને તેનો કમાન્ડો ભાથી લાલજી દેસાઇ એક સાધુ જેવા વ્યક્તિ સાથે દેખાતો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલાએ અગાઉ પણ બે વાર પોલીસને ફોન કરીને ગજેન્દ્રસિંહના ચોક્કસ લોકેશન આપ્યા હતા. ત્યારે પણ પોલીસે રાજકીય દબાણમાં આવીને કોઇ કાર્યવાહી કરી નહોતી. જેથી પોલીસની કામગીરીની સાથે ગૃહવિભાગ પર પણ અનેક સવાલ ઉભા થયા છે.