Unseasonal Rain in Gujarat : ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો યથાવત્ રહ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ શનિવારે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં કરા પડવાની જ્યારે વડોદરા-છોટા ઉદેપુર ભરૂચ-નર્મદા-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-અમદાવાદ-ગાંધીનગર-પાટણ-મહેસાણા-ખેડા-અરવલ્લી-પંચમહાલ-દાહોદ-મહીસાગર-દમણમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રવિવારથી વાતાવરણ પૂર્વવત્ થઇ શકે છે.
કમોસમી વરસાદને પગલે વરિયાળી, બટાકા, ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.આજે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થઇ શકે છે.
ગુરૂવારે રાત્રે નલિયામાં 10.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અન્યત્ર ભુજમાં 11.8, રાજકોટમાં 13.6, અમરેલીમાં 13.8, ડીસામાં 16.1, પોરબંદરમાં 16.4, ભાવનગરમાં 17.4, ગાંધીનગરમાં 18.5, વડોદરા-સુરતમાં 20.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સાબરકાંઠામાં ગતરાત્રિએ અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાના વાદળો અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.હિંમતનગર,ગાંભોઈ, ચાંદરણી, ચાંપલાનાર, વાવડી, ગાંધીપુરા, મોરડુંગરા, રૂપાલકંપા, બાવસર, હાથરોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડાબ્રહ્માના દામાવાસ પંથકમાં રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો.
અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઇ રહી છે.