અમદાવાદ,મંગળવાર,31 ડિસેમ્બર,2024
સાબરમતી ડી કેબીન ખાતે બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં સ્ટ્રીટલાઈટ
નાંખ્યા વગર જ શરુ કરી દેવામાં આવ્યો છે.રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અંડરબ્રિજને
ઉતાવળે શરુ કરી દેવામાં આવતા અહીંથી રોજ પસાર થતા વીસ હજાર લોકોના માથે અકસ્માત થવાની
ભીતી સેવાઈ રહી છે.
ડી કેબિન સાબરમતી ખાતે રેલવે દ્વારા બનાવવામાં આવેલા
અંડરબ્રિજને સ્ટ્રીટ લાઈટ નાંખ્યા વગર જ શરુ કરી દેવામાં આવ્યો છે.અંડરબ્રિજમાં
સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવી નથી.જયાં વળાંક આવેલા છે ત્યાં અકસ્માત સર્જાય એ રીતના
વળાંક આપવામાં આવેલા છે.ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો તથા સ્કૂલમાં અવરજવર
કરતા બાળકો સહીત રોજના વીસ હજાર લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો
છે.આ બાબત ગંભીર હોવાછતાં મ્યુનિસિપલ
વહીવટી તંત્રના અધિકારીઓ જોવડાવી લઈએ એ પ્રકારનો જવાબ આપી રહયા છે.ફાટકમુકત
અમદાવાદ અભિયાન અંતર્ગત રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે.આમ છતાં
રેલવે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ અંડરબ્રિજમાં સ્ટ્રીટ લાઈટ
નાંખવામાં આવી નથી.અંડરબ્રિજમાંથી બહાર નીકળતા જ બે રોડ ક્રોસ થાય છે.આ કારણથી
બ્રિજની બહાર ખુલતાની સાથે જ રોડનો નાનો ભાગ બહાર આવે છે.લોકોને અવરજવરમાં તકલીફ
પડી શકે છે.સીધા મુખ્ય રોડ સાથે કયાંય કનેકટિવીટી આપવામાં આવી નથી.
જુની નટરાજ સિનેમા અંડરપાસમાં પણ અંધારપટ્ટ
અમદાવાદના આશ્રમરોડ ઉપર જુની નટરાજ સિનેમા પાસે અંડરપાસ
બનાવવામાં આવેલો છે. આ અંડરપાસ શરુ કરવામાં આવ્યો તે સમયથી અંધારપટ્ટની સ્થિતિ
જોવા મળી રહી છે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગના અધિકારીનુ અગાઉ
ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.એ સમયે તેમણે પણ જોવડાવી લઉ છું એ પ્રકારનો જવાબ આપ્યો
હતો.હાલમાં પણ આ અંડરપાસમાંથી પસારથતા વાહન ચાલકોને અંધારપટ્ટ વચ્ચેથી પસાર થવુ
પડી રહયુ છે.