અમદાવાદ, રવિવાર
બાપુનગરના અંખાડા વિસ્તારમાં ગરબા ચાલતા હોવાથી અડધો રસ્તો બંધ કર્યો હતો. જેને લઇને સ્થાનિક ચાર વ્યક્તિઓએ રસ્તો કેમ બંધ કર્યો છે, કહીને ધારિયા, લાકડી અને છરીથી હુમલો કરતા છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીર રીતે ઘાયલ યુવકોને સારવાર માટે સિવિલમાં હોસ્પિટલ દાખલ કરાયા ઃ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાપુનગરના ઈન્દીરા ગરીબનગરના છાપરામાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં ખાડાવાળા વિસ્તારમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ત્યાં આઠ નોંમના દિવસે બે દિવસ ગરબા કરવામાં આવે છે જેના ભાગરૃપે તા.૧૧ નવરાત્રી ચાલતી હોવાથી રામલાલ પહેલવાનનાં અખાડાના મેદાનની બાજુમાંથી નિકળતો રસ્તો ગરબા જોવા માટે આવેલા રહીશોના લીધે અડધો બંધ કર્યો હતો. જેથી અંખાડા વિસ્તારમાં રહેતા આરોપી તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને અડધો રસ્તો કેમ બંધ કર્યો છે, તેમ કહીને ઝઘડો કરીને જતો રહ્યો હતો.
ત્યારબાદ રાતે બે વાગે ફરીથી ચાર શખ્સો આવ્યા હતા અને હજુ સુધી રસ્તો કેમ ખુલ્લો કર્યો નથી તેમ કહીને જોરજોરથી બુમો પાડવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ આ ચારેય પાસે જઈને ગરબા બંધ થઈ જશે એટલે રસ્તો ખોલી નાખીશું તેમ સમજાવવા માટે ગયા હતા તે સમયે આ ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડના દંડા છરી અને ધારિયાથી હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ સમયે યુવકને બચાવવા માટે વચ્ચે પડેલા છ મિત્રોની સાથે માર મારી કરીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.