અમદાવાદ , રવિવાર
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર પોલીસમાં નોંધાયેલા ભાજપની મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીતી જવા છતાંય, ધારાસભ્યની ધરપકડ ન કરતા પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકાયો છે. સાથેસાથે આ મામલે ફરિયાદી મહિલાએ પોલીસની કામગીરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા સોમવારે તેની સુનવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે આક્ષપિત ધારાસભ્ય દ્વારા ખાનગી માણસો મોકલીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરવાની સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર સાથે ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં દુષ્કર્મ કરવાના મામલે પ્રાતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગત ૧૯મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં મહિલા દલીત હોવાથી સમગ્ર કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે ફરિયાદ નોંધવાના આદેશની સાથે સ્પષ્ટ તાકીદ કરી હતી કે આ કેસના આરોપી ધારાસભ્ય છે.
જેથી કેસમાં પોલીસ રાજકીય દબાણમાં આવ્યા વિના તટસ્થતાથી તપાસ કરે. પરંતુ, ગુનો નોંધાયા બાદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ સુધી પોલીસના મત મુજબ ફરાર છે અને અનેક તપાસ કર્યા બાદ તેની કોઇ કડી મળી નથી. જે બાબતને સાડા ત્રણ મહિના જેટલો સમય થયો છે. ફરિયાદી દ્વારા અગાઉ બે વાર પોલીસને આક્ષેપિત ધારાસભ્યની હાજરી અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. પરંતુ, ત્યારે પોલીસે કોઇ કામગીરી કરી નહોતી.
આમ, ગાંધીનગર પોલીસની નિષ્ક્રિયતા અંગે ગૃહવિભાગ, ડીજીપી અને મહિલા આયોગ સહિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, આ અંગે કોઇ કાર્યવાહી થઇ નહોતી. જેથી પિડીત મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ રાજકીય દબાણમાં આવીને કેસની તપાસ ન કરતી હોવાની અરજી કરી હતી. જે અનુસંધાનમાં સોમવારે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવનાર છે. નોંધનીય છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર ઉપરાંત, રાજસ્થાનમાં આબુરોડ અને જોધપુરમાં ફરિયાદ નોંધાઇ છે. જે કેસમાં પણ પોલીસની કામગીરી શંકાસ્પદ રહી છે.