Ahmedabad News: વર્ષ 2003માં લગ્ન થયા તે પછી પતિના ધંધાકીય કૌશલ્યની નિષ્ફળતા છતી થઈ. આ પછીના વર્ષોમાં પતિએ બેન્કમાંથી પત્નીના નામે લોન લઈને અલગ અલગ ત્રણ – ત્રણ કંપનીઓ ખોલી. આ કંપનીઓ પણ ન ચાલી અને ચેક રિર્ટન થતાં કોર્ટ કાર્યવાહીનો વખત આવ્યો. આ ઘટનાક્રમ વચ્ચે બે પુત્રી મોટી થઈ રહી હતી તે સાથે ગૃહકંકાસનો સિલસિલો શરૂ થયો.
ત્રાસથી પરેશાન થઈ ગયેલી પત્નીએ ફરિયાદ નોંધાવી
લોનના બાકીદાર તરીકે કોર્ટના ધક્કા ઉપરાંત પતિ અને સાસુ-સસરાના અસહકાર સાથે ત્રાસથી પરેશાન થઈ ગયેલી પત્નીએ આખરે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમાધાન સાથે બદલાવના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં. બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બનેલાં પતિએ ડિવોર્સ પેપર ફાઈલ કરતાં આખરે પત્નીએ ફરિયાદ નોંધાવી છે.
પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 42 વર્ષના બીજલબહેન નામના પરિણીતાએ પતિ નિષીત તૈલી ઉપરાંત સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, વર્ષ 2003માં લગ્ન થયા ત્યારે પ્લાસ્ટીક દાણા બનાવવાનો શેડ ધરાવતા પતિ નિષીત તૈલી હાલમાં મીનરલ વોટર પ્લાન્ટ ચલાવે છે.
લગ્ન થયા પછી દેવુ હોવાની જાણ થઈ
પતિ નિષીત ધંધો સારી રીતે કરતા ન હોવાથી તેમને નાણાકીય દેવુ હોવાની જાણ લગ્ન થયા પછી થઈ હતી. આ બાબતે પતિ કોઈ વાત સાંભળતા નહોતા અને સાસુ-સસરા પણ તેમને સપોર્ટ કરતા હતા. વર્ષ 2005માં પતિ નિષીત તૈલીએ બી.એન. ફુસ અને બી. એન. એન્જિનિયરિંગ નામની કંપની ખોલી હતી અને બન્ને કંપનીઓ ઉપર કેનેરા બેન્કની લોન કરાવી હતી.
નવો ધંધો ચાલુ કરવા પત્નીના નામે લોન લીધી
લોન સમયસર ભરપાઈ ન થવાથી બન્ને કંપનીની લોન એન.પી.એ. થઈ હતી. કંપની બીજલબહેનના નામે હતી અને ચેક રિટર્ન થતાં કંપની ઉપર ચેક રિટર્નના કેસો થયા હતા. આ અંગેની જાણ બેન્ક મેનેજર દ્વારા બે-ત્રણ વર્ષ અગાઉ જ થઈ હતી.
ચેક રિટર્ન થતાં પત્ની પર કેસ
કંપની પોતાના નામે હોવાથી ચેક રિટર્ન બાબતે બીજલબહેન વાત કરતાં તો પતિ, સાસુ અને સસરાએ તારા બધા દાગીના આપી દે તેમ કહી દાગીના ઉતરાવી લીધા હતા અને બધી બચત પણ લઈ લીધી હતી. આ પછી હજુ બીજા પૈસા ભરવાના બાકી છે તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની જાણ બીજલબહેને માતા- પિતાને કરી હતી.
કંપનીઓ પર દેવું થતાં પતિ ભરપાઈ કરતો નહોતો
વર્ષ 2008માં બીજલબહેનના નામે બી. એન. એન્ટરપ્રાઈઝ નામે બીજી એક કંપની લીધી તેમાં પણ લોન એન.પી.એ. થઈ હતી. આમ, ત્રણેય કંપનીઓ બીજલબહેનના નામે હોવાથી અને કંપનીઓ ઉપર દેવું થયું હતું તે પતિ ભરપાઈ કરતા નહોતા.
ચેક રિટર્ન કેસોના કારણે વારંવાર કોર્ટના ધક્કા
ચેક રિટર્ન કેસોના કારણે બીજલબહેનને વારંવાર કોર્ટના ધક્કા ખાવા પડતા હતા અને તેમાં પતિ નિષીત તૈલી કોઈ જ સહકાર આપતા નહોતા. આખરે, બીજલબહેને કંટાળીને વર્ષ 2024માં પ્રીલિટીગેશન લોક અદાલત, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વૈવાહીક તકરાર અરજી કરી હતી.
દેણું ભરવા બાબતે પતિએ પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું
અરજી બાદ બીજલબહેન અને પતિ નિષીત તૈલી હાજર રહ્યાં પણ પતિ કે સાસરિયા દ્વારા સમાધાન લેખ કરી આપવામાં આવ્યો નહોતો. એકાદ મહિના પછી નિષીત તૈલીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને સારવાર કરાવી હતી. આ પછી પણ પતિએ ઝઘડા કરી, એલફેલ બોલી તારી પાસે અમારા જે હિરાના દાગીના છે તે આપી દે એટલે દેવું ભરપાઈ થઈ જાય એવું કહીને ત્રાસ આપવામાં આવતો.
પતિએ નવેમ્બર – 2024માં ડિવોર્સની નોટિસ આપી
ઘરમાંથી કાઢી મુકવી નથી તેમ કહી ધમકી આપતાં પતિ હવે બે પુત્રીને પણ બીજલબહેનથી દૂર રહેવા ધમકાવતા હતા. પતિ નિષીત તૈલીએ નવેમ્બર – 2024માં ડિવોર્સની નોટિસ આપી હતી. આખરે, પોતાના નામની ત્રણ કંપનીઓમાં દેવુ થઈ જતાં ઘરમાં શારીરિક માનસિક ત્રાસ આપવા બદલ પતિ, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળીને બીજલબહેને સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.