Cadila Pharmaceuticals Company News: અમદાવાદ નજીક ધોળકા ખાતે આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં કંપની વોશરૂમમાં એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને બેભાન થઇ જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. એફ.એસ.એલ. ની પણ મદદ લેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના વોશરૂમમાં કામ કરતી વખતે ત્રણે મહિલા કર્મચારીઓ અને એક પુરૂષ કર્મચારી બેભાન થઇને નીચે પડી હતા. અચાનક સર્જાયેલી આ દુર્ઘટના બાદ ચારેય બેભાન કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. જોકે બેભાન 3 કર્મચારીઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા કર્મચારી વર્ષાબેન રાજપૂતનું નિધન થયું છે.
આ બનાવને પગલે મૃતક મહિલા વર્ષાબેન રાજપૂતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. તેમની માંગ છે કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. અમે તટસ્થ તપાસની માંગ કરીએ છીએ.
વર્ષાબેન રાજપૂતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતક વર્ષાબેન રાજપૂતના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતકના પીએમ અને લેબોરેટરી ટેસ્ટ કરવા માટે ડોક્ટરોની પેનલ ટીમ બનાવવામાં આવશે. એટલું જ નહી એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવશે.
હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે કે કંપનીના વોશરૂમમાં આ ઘટના ક્યારે અને કેવી રીતે સર્જાઇ? ઘટનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ કંપનીમાં કામ કરતા સુરક્ષાકર્મીઓ અને સ્ટાફની પૂછપરછનો દૌર શરૂ થઇ ગયો છે. પોલીસ તપાસ અને પીએમ બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે.