શનિવારે જોધપુરની હાઇકોર્ટમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
નવેમ્બર ૨૦૨૦માં રાજસ્થાન જતા આબુ પાસે મહિલાની સગીરા દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય લોકોએ છેડછાડ કર્યાનો આરોપ
Updated: Dec 18th, 2023
અમદાવાદ, સોમવાર
Minor Girl Molestation Case : ગુજરાતના પ્રાંતિજના
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ લોકો વિરૂદ્વ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના આબુ
રોડ પર કારમાં સાથે જઇ રહેલી મહિલાની સગીર દીકરી સાથે શારિરીક છેડતી કર્યાનો આરોપ હેઠળ
પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસંધાનમાં રાજસ્થાનમાં આ કેસને લઇને કોર્ટમાં
સતત કેસની તારીખ પડતી હોવાથી સગીરાની માતાએ કંટાળીને શનિવારે
જોધપુરની હાઇકોર્ટમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે આક્ષેપ
કર્યો છે કે ગજેન્દ્રસિંહ પરમારના રાજકીય દબાણના કારણે કેસને નબળો બનાવવામાં આવી રહ્યો
છે.
અમદાવાદમાં રહેતી મહિલા
ગત નવેમ્બર ૨૦૨૦માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય
વ્યક્તિ સાથે કારમાં જૈસલમેર ફરવા માટે જઇ રહી હતી. ત્યારે મહિલાની સગીર
દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને
લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી.જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર
અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો
હતો. અને શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો.
સાથેસાથે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર સ્ટે ઓર્ડર
આપ્યો ગતો. તે પછી કેસની તપાસની કાર્યવાહીમાં
પણ રાજકીય દબાણની સાથે મહિલાને ધમકી આપવામાં આવી હતી. જેથી આ અંગે જોધપુર હાઇકોર્ટમાં
ધરપકડ પરનો સ્ટે ઓર્ડર હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે આ મહિલાનો આક્ષેપ
છે કે કોર્ટમાં રાજકીય દબાણને કારણે તેમના કેસનો નંબર આવતો નહોતો અને સતત નવી તારીખો
જ આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે જોધપુર કોર્ટમાં મુદ્ત હતી ત્યારે તેણે કોર્ટ
પરિસરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જો કે તેને સારવાર માટે જોધપુરની સરકારી હોસ્પિટલમાં
લઇ જઇને સમયસર સારવાર મળતા જીવ બચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મહિલાએ જજનં
સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુકવાની સાથે હાઇકોર્ટ
પાસે ન્યાયની માંગણી કરી હતી. આ સાથે તેનું
નિવેદન નોંધીને ચિઠ્ઠા પણ તપાસ માટે જમા લીધી છે. આમ, આ કેસને ગજેન્દ્રસિંહ
પરમાર સામે વધુ એક ગંભીર આરોપ મુકતા રાજકીય વર્તુળમાં ચર્ચા જોવા મળી રહી છે.