– ગુજરાત હાઈકોર્ટની DGP, આણંદ પોલીસને નોટિસ
અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર
આણંદમાં લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું ફૂલેકુ ફેરવી નાખનારા આરોપીઓ પાસે જપ્ત કરાયેલું 100 તોલા સોનું અને એક કરોડ રૂપિયાની રોકડ રકમ આ કેસની તપાસ કરનારી પોલીસે કબજે કરી હોવા છતાં તેની ચાર્જશીટ સહિતના દસ્તાવેજોમાં ક્યાંય નોંધ જ ન લીધી હોવાનો આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અસરગ્રસ્ત મહિલાઓએ રીટ કરી છે. આમ ખુદ પોલીસે જ જપ્ત કરેલો મુદ્દામાલ સગેવગે કરી દેવાનો આરોપ મુકતા આણંદ પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે. હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈ સરકાર રાજ્યના પોલીસવડા અને આણંદના નાના-મોટા અધિકારીઓ નોટિસ જારી કરી છે.
છેતરપિંડી કરનારા આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો પણ ચાર્જશીટમાં કોઈ ઉલ્લેખ જ નહીં
કરિયાણું-કોસ્મેટીક ચીજવસ્તુઓના વેચાણમાં ઉચું વળતર અને સબસીડીની લાલચ આપી નિર્દોષ લોકો પાસેથી ખાસ કરીને મહિલાઓના લાખો રૂપિયાનો ચુનો લગાવવાના પ્રકરણમાં આરોપીઓ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાવવા હાઈકોર્ટમાં રિટ અરજી કરાઈ છે. જો કે, રિટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરાયો હતો કે, આ છેતરપીંડી પ્રકરણમાં તપાસ કરનાર ખુદ આણંદ પોલીસે જ મૂળ આરોપીઓ પાસેથી જપ્ત કરેલ એક કરોડથી વધુની રોકડ રકમ અને સો તોલા સોનુ જપ્ત કરવા છતાં તેને બારોબાર સગેવગે અને ઉચાપત કરી તપાસમાં કે ચાર્જશીટમાં તે બતાવ્યું જ નહી. તેથી છેતરપીંડીનો ભોગ બનેલ અરજદાર મહિલાઓએ આણંદ પોલીસ અને એલસીબી પોલીસના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ એફઆઈઆર દાખલ કરવા અને આ ચકચારભર્યા કેસમાં ખુદ પોલીસ જ કોગ્નીઝેબલ ઓફેન્સમાં સંડોવાયેલી હોઈ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા અને તેના મારફતે તપાસ કરાવવા દાદ માંગી હતી.
હાઈકોર્ટ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને આ કેસમાં રાજ્ય સરકાર, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, આણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી.રાઠોડ, સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ.પ્રજાપતિ, એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ એસ.વી.રાઠોડ વિરૂધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી ફેબુ્રઆરી માસમાં રાખી છે.
અરજદાર મહિલાઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં ગંભીર આક્ષેપ કરાયા હતા કે, કરિયાણાની ચીજવસ્તુઓ અને કોસ્મેટીક વસ્તુઓમાં રોકાણ કરી સબસીડી-વળતર આપવાની લોકોને લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ-છેતરપીંડી કરવાના પ્રકરણમાં મૂળ આરોપીઓ મીનાક્ષીબેન ઉર્ફે દક્ષાબેન ઉર્ફે નીતાબેન સુરેશભાઈ પટેલ, સુરેશભાઈ વાસુદેવભાઈ પટેલ, ધવલ ઉર્ફે સોનુ સુરેશભાઈ પટેલ વિરૂધ્ધ રશ્મિબેન મહેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવા આરોપ લગાવાયા હતા કે, આરોપીઓએ નિર્દોષ નાગરિકોને તેમની જાળમાં ફસાવી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે અને લોકોના મહેનત-પરસેવાની કમાણી આરોપીઓ ઉચાપત કરી ગયા હતા. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જેમાં સ્પષ્ટ કરાયું હતું કે, અરજદાર રોહિણીબહેન અતુલકુમાર પટેલે રૂા.40 લાખ અને લતાબહેન અરવિંદકુમાર મકવાણાએ રૂા.12 લાખ ગુમાવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે, કેસની તપાસ દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી આશરે એક કરોડથી વધુની રકમ અને 100 તોલા સોનું ઉપરોક્ત આરોપીઓ પાસેથી મુંબઈથી જપ્ત કર્યું હતું.
તપાસનીશ અધિકારીએ બે પંચોની હાજરીમાં આ રોકડ અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ આઘાતજનક વાત એ હતી કે, પોલીસે ચાર્જશીટમાં આ એક કરોડ રૂપિયા રોકડા અને 100 તોલા સોનાના મુદ્દામાલ જપ્તીની વાતનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો જ નહી અને ખોટા પંચનામા અને ખોટા રીપોર્ટ રજૂ કરી અદાલતને પણ ગેરમાર્ગે દોરી હતી.
આણંદ પોલીસના કયા અધિકારીઓ સામે રિટમાં આક્ષેપો…
અરજદાર પક્ષ તરફથી આ સમગ્ર પ્રકરણમાં આણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી.રાઠોડ, સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ.પ્રજાપતિ, એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ એસ.વી.રાઠોડ વિરૂધ્ધ નાણાંકીય ઉચાપત અને છેતરપીંડીનો ગંભીર કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો હોઈ તેઓની વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરવા પણ રિટ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. તો, સમગ્ર મામલામાં પોલીસ અધિકારીઓ સંડોવાયેલા હોઈ કેસની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા અને તેમના મારફતે તપાસ કરાવવા દાદ મંગાઈ હતી. ઉપરાંત અરજદારોની મૂળ તા.23-3-2022ની આપેલી ફરિયાદ મુજબ આ કેસમાં તમામ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા પણ દાદ મંગાઇ હતી.
આણંદ એલસીબીએ પણ કસૂરવાર પોલીસ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો
આ હકીકત ધ્યાન પર આવતાં અરજદારોએ સમગ્ર મામલે રાજ્યના ડીજીપીનું ધ્યાન દોરી વધુ તપાસની માંગણી કરી હતી. જેના અનુસંધાનમાં તા.31-12-2015ના રોજ આણંદ એલસીબીને તપાસ સોંપાઈ હતી. જેમાં પણ એલસીબી પોલીસે તપાસ બાદ તા.2-7-2021 ના રોજ રજૂ કરેલા રિપોર્ટમાં ખુદ તેમના પોલીસ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી છેવટે અરજદાર ખુદ મુંબઈ ગયા હતા અને જે પંચ સાક્ષીઓ હતા તેમના નિવેદન લીધા હતી અને બાદમાં તા.15-09-2021ના રોજ તેઓએ નોટરી સમક્ષ સંયુક્ત સોગંદનામા સાથે તેમના નિવેદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, એલસીબી પોલીસે તેમના અધૂરા નિવેદન લીધા હતા અને તેમણે જે હકીકતો તપાસનીશ અધિકારીને કહી હતી, તે તેમણે નિવેદનમાં નોંધી જ ન હતી. તેમણે તપાસનીશ અધિકારીએ અઢળક રૂપિયા અને સોનું ભરેલી કાળા કલરની બેગ તેમની હાજરીમાં જપ્ત કરી હતી પરંતુ તેમની આ વાત પોલીસે નોંધ જ ન હતી. આમ, પોલીસે ખુદ તેમના પોલીસ અધિકારીઓને બચાવવા અને ઉપરોક્ત મોટી રકમ અને 100 તોલા સોનાની ઉચાપત કરી ખોટો રિપોર્ટ રજૂ કરી દીધો છે. અગાઉ હાઈકોર્ટમાં અરજદારોએ પિટિશન કરતાં અરજદારોની ફરિયાદ અનુસંધાનમાં તેમના નિવેદન પણ લેવાયા હતા. પરંતુ ફરી એકવાર તા.04-08-2023ના રોજ આણંદ ડીએસપીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે, અરજદારોની ફરિયાદ મુજબના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી અરજદારોને હાલની રિટ અરજી કરવાની ફરજ પડી છે.