અમદાવાદ,મંગળવાર
શહેરના શાહીબાગ નમસ્તે સર્કલ નજીક આવેલા હાથીપુરા ગાર્ડનમાં મંગળવારે સાંજના સમયે પ્રેમી યુવકે પ્રેમીકાને છરીેના ઘાઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વાડજ રીવરફ્રન્ટ પરથી નદીમાં ઝપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માધુપુરામાં આવેલા જુગલદાસની ચાલીમાં રહેતી ક્રિષ્ના મારવાડી અને તેની જ ચાલીમાં રહેતા કૌશિક મકવાણા વચ્ચે પ્રેમ સંબધ હતો. મંગળવારે સાંજે ક્રિષ્ના તેના છ વર્ષના પુત્રને લઇને તેને મળવા આવી હતી ત્યારે કોઇકારણસર બંને વચ્ચે તકરાર થતા આ ઘટના બની હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મંગળવારે સાંજના છ વાગ્યાના સુમારે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલા હાથીપુરા ગાર્ડનમાંથી એક યુવક લોહીવાળુ જેકેટ પહેરીને બાઇક પર નાસી જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકોએ અંદર તપાસ કરતા એક યુવતી લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતી હતી. જેથી તાત્કાલિક સ્થાનિક લોકોએ ૧૦૮ પર કોલ કરવાની સાથે પોલીસને પણ જાણ કરી હતી. માધુપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થળ પર જઇને તપાસ કરતા મૃતક મહિલાનું નામ ક્રિષ્ના રાજેશ મારવાડી (જુગલદાસની ચાલી, માધુપુરા) હોવાનું જાણવા મળ્યું હતુે. આ મહિલા તેના છ વર્ષના પુત્ર સાથે ગાર્ડનમાં આવી હતી અને થોડીવારમાં વોશરૂમ જઇને આવું છું તેમ કહીને બાળકને એક બાજુ ઉભો રાખીને યુવકને મળવા ગઇ હતી.આ બાબતે સ્થાનિક લોકોએ આપેલી વિગતોને આધારે પોલીસની એક ટીમ દ્વારા સીસીટીવી તપાસવાની શરૂઆત કરવાની સાથે મહિલાના પતિને બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાડજ રીવરફ્રન્ટ પરથી એક યુવકે બાઇકને પાર્ક કરીને નદીમાં ઝંપલાવ્યું છે. તેમજ સ્થળ પરથી લોહીના નિશાન વાળુ જેકેટ પણ મળી આવ્યું હતું. જેના આધારે ફાયરબ્રિગેડની ટીમની મદદ લઇને મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢીને તપાસ કરતા મૃતકનું નામ કૌશિક મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. જે ગાર્ડનમાંથી નાસી જતા સમયે મળી સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યો હતો. આ અંગે સેક્ટર-૧ એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરેે જણાવ્યું કે આ હત્યાની ઘટનામાં પ્રેમ પ્રકરણ હોવાની સભાવનાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ક્રિષ્ના મારવાડીની હત્યા કર્યા બાદ કૌશિકે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. આ અંગે પોલીસ મૃતકના મોબાઇલ ફોન તેમજ અન્ય લોકોના નિવેદનને આધારે તપાસ કરશે.