અમદાવાદ,રવિવાર
શહેરના વસ્ત્રાલમાં રહેતા નીરજ ગુર્જર નામના યુવકે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરૂદ્ધ રીકવરી એજન્ટ હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. સાથેસાથે પોલીસે ગુજરાત હાઇકોર્ટની સુચનાને અવગણીને નિયમ વિરૂદ્ધ જઇને પોલીસે યુવકને વ્યાજનો ગેરકાયદે વ્યવસાય કરતી મહિલાને ૨૨ લાખની રકમ આપીને સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું અને યુવક વિરૂદ્ધ મહિલાએ તેના મળતિયાની મદદથી ખોટો ગુનોનોંધાવ્યો હોવાનો આરોપ પણ ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતમાં કરાયો છે. શહેરના વસ્ત્રાલમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતા નિરજ ગુર્જર નામના યુવકે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ પી ચૌધરી અને ડી સ્ટાફ પીએસઆઇ એસ ડી દેસાઇ સહિત સ્ટાફ પર રિકવરી એજન્ટ અને અન્ય સ્ટાફ વિરૂદ્ધ રીકવરી એજન્ટ હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં સમગ્ર ઘટનાની વિગતો એવી હતી કે નિરજ સગીર હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી ધ્વની શર્માના પરિચયમાં હોવાથી તેના ઘરે શ્રીધર ડુપ્લેક્ષ, વસ્ત્રાલ ખાતે આવતો જતો રહેતો હતો. આ સમયે ધ્વનીના માતા મનીષા શર્મા અને વિજય શર્મા નાણાં વ્યાજે આપવાનો ધંધો કરતા હતા. તેમણે નિરજને જણાવ્યું હતું કે જો તુ અમારા ગ્રાહકોને નાણાં પહોંચતા કરવાની સાથે ઉઘરાવીને આપીશ તો બદલામાં મહેનતાણું મળશે. નિરજને નાણાંની જરૂર હોવાથી તેણે હા કહી હતી.
આમ, મનીષા શર્માએ નિરજના બેંક એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહાર કર્યા હતા. આ દરમિયાન મનીષા શર્મા, વિજય શર્મા અને મનીષા શર્માના પિતાએ નિરજના ઘરે આવીને કહ્યું હતું કે તારે મુડી વ્યાજ સહિત ૨૨ લાખ રૂપિયા આપવાને છે. જો તુ નહી આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઇશું. આ ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે નિરજ પર દબાણ કરીને સમાધાન કરીને મનીષા શર્મા વિરૂદ્ધનો કેસ પરત લઇને ૨૨ લાખ પરત આપી દેવા માટે દબાણ કર્યું હતું અને તેને પોક્સો તેમજ બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી મળતી હતી. છેવટે સમગ્ર મામલે નિરજે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ પર રીવકરી એજન્ટ તરીકેના તેમજ શંકાસ્પદદ ભુૂમિકાના આક્ષેપ કરતી ક્રિમીનલ એપ્લીકેશન કરતા હાઇકોર્ટે પોલીસને કેટલાંક મુદ્દા પર સુચના આપી હતી. તેમ છતાંય, નિરજની વિદ્યાર્થી તરીકેની કારર્કિદી બરબાદ કરવાની ધમકી મળતી હતી.
ત્યારબાદ પોલીસે મનીષા શર્માના મળતિયા ક્રિસ જાટની નિરજ વિરૂદ્ધની ખોટી ફરિયાદ નોંધીને ભારતીય ન્યાય સંહિતના કલમ ૩૫ હેઠળ કોઇ નોટિસ ન આપીને ગેરકાયદે અટકાયત કરીને ૨૬ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. ત્યારે પણ નિરજ પર મનિષાને ૨૨ લાખ ચુકવી આપવા દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહી પોલીસે નિરજના ઘરની બહાર આવીને નિરજ અને તેના પરિવારને બદનામ કરવાના ઇરાદે ગેરવર્તન કર્યાનો પણ આરોપ મુકાયો છે. બીજી તરફ આ સમગ્ર મામલ ગુજરાત હાઇકોર્ટ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને કોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ ન કરવા અને તપાસ ન કરવા માટે હુકમ કર્યો હતો. જેમાં નોંધવામાં નિરજ સગીર વયનો હતો ત્યારે મનીષાએ તેની પાસે વ્યાજ અંગે કામ કરાવ્યાનું પણ કોર્ટે નોંધ્યું હતું. આમ, હાઇકોર્ટની તાકીદ બાદ પણ રામોલ પોલીસ દ્વારા નિરજ પર દબાણ કરીને મનીષાને ૨૨ લાખ રૂપિયા ચુકવી આપવા માટે દબાણ કરવામાં આવતા ફરીથી હાઇકોર્ટ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રામોલ પોલીસ વિરૂદ્ધ રીક્વરી એજન્ટ તરીકેના ગંભીર આક્ષેપ કરતી રજૂઆત કરવામાં આવી છે.