અમદાવાદ, સોમવાર,20 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાકીદની પરિસ્થિતિમાં જો
રોડ,ડ્રેનેજ
અને પાણીના કામ કરાવવાના થાય તો
જી.પી.એમ.સી. એકટની ૭૩-ડી હેઠળ કરાવવામાં આવે છે.આ પ્રકારના કામ મોટાભાગે
કવોટેશન કે ઓફરથી કરાવામાં આવતા હોય છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રુપિયા ૧૨૭.૯૯ કરોડના
કામ મંજૂર કરાયા હતા. ત્રણ મહીનામાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોડની કામગીરી માટે રુપિયા
૪૪.૮૭ કરોડની રકમ ખર્ચ કરાઈ હતી.સ્ટેન્ડિંગ કમિટીમાં ગત વર્ષે મંજૂરી માટે મુકવામા
આવેલા આ પ્રકારના કુલ ૧૭૩.૮૧ કરોડના કામને મંજૂરી આપવામાં આવી હતી.
રોડ,પાણી ,ડ્રેનેજ સહીતની
પ્રાથમિક સુવિધા માટે શહેરીજનો દ્વારા મ્યુનિ.તંત્રમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતી
હોય છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ, જુલાઈથી
સપ્ટેમ્બર-૨૪ના ત્રણ માસમાં મધ્યઝોનમાં પ્રાથમિક સુવિધાની ૩૦૮૮૯ ઓનલાઈન ફરિયાદ
મ્યુનિ.તંત્રને મળી હતી.જેની સામે ૭૩-ડી હેઠળ માત્ર રુપિયા ૪.૮૮ કરોડના કામ મંજૂર
કરાયા હતા.ઉત્તરઝોનમાં આ સમય દરમિયાન ઓનલાઈન ૨૬૩૭૯ ફરિયાદ તંત્રને મળી હતી.જેની
સામે રુપિયા ૬૪ લાખના કામ મંજૂર કરાયા હતા.જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રાથમિક
સુવિધાને લગતી તંત્રને ત્રણ મહીનામા કુલ ૧૦૬૨૬ ફરિયાદ મળી હતી. આમ છતાં રુપિયા
૧૨૭.૯૯ કરોડના કામ તંત્ર તરફથી મંજૂર કરવામા આવ્યા હતા.તંત્ર અને સત્તાધીશો દ્વારા
પ્રાથમિક સુવિધાના કામ કરાવવા કરવામા આવતો ઝોનવાદ દુર કરી તમામ ઝોનમાં પ્રાથમિક
સુવિધાના કામ કરાવવા માટે એકસરખી નિતી અમલમાં મુકવા માટે વિપક્ષે માંગ કરી છે.