Ahmedabad Police : અમદાવાદમાં લુખ્ખા તત્ત્વોને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવી રીતે બેખૌફ બની બેઠા છે. શહેરના રખિયાલ અને બાપુનગરમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારાઓની પોલીસે હવા કાઢી નાખી છે. જેમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.
આરોપીઓનો વરઘોડો કાઢ્યો
શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજીક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.
રખિયાલ સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ
અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શહેર પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ગઈ કાલે ગુરુવારે રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ કરીને સઘન ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન એસીપી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા. પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઈટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો અને સ્થળો ચેકિંગ કરાયું હતું.
આ પણ વાંચો: VIDEO: પોલીસ સાથે દાદાગીરી કરનારા ‘લુખ્ખાઓ’ની ધરપકડ, તલવારો સાથે મચાવ્યો હતો આતંક
રખિયાલમાં શું થયું હતું?
રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, ‘બહોત મારુંગા સાહેબ’ તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી. પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
આ પણ વાંચો: બાપુનગર બાદ હવે અસારવામાં લુખ્ખાઓનો આતંક, અમદાવાદ પોલીસ પર ઊઠ્યાં સવાલ
અસારવા બ્રીજ પાસે અસામાજિક તત્ત્વોનો આંતક
અમદાવાદના અસારવા બ્રીજ નીચે કુબેરપુરા ભીલવાસમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ જાહેરમાં ઉઘાડી તલવાર રાખી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ઘટનાની જાણ થતા શાહીબાગ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ વીડિયોમાં દેખાતા વિશાલ ઉર્ફે રામ દિનેશભાઇ ઢુંધીયા અને સુરેશ ઉર્ફે મનુભાઇ ભીલ (રાણા)ને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.