અમદાવાદ, બુધવાર
અમદાવાદ જિલ્લાના સાણંદમાં સ્થાનિક પોલીસે દરોડો પાડીને ગેરકાયદે ચલાવવામાં આવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને ત્રણ યુવકોને ઝડપીને કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમેરિકાના નાગરિકોને ઓછા વ્યાજદરે લોન અપાવવાનું કહીને પ્રોસેસીંગ ફીના નામે હવાલાની મદદથી નાણાં ભારતમાં મેળવવામાં આવતા હતા. આ અંગે સાણદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ જી રાઠોડને માહિતી મળી હતી કે સાણંદ નજીક અણદેજ ગામમાં રહેતો હારૂન વાઘેલા તેના ફાર્મ હાઉસમાં બહારથી તેના સાગરિતોને બોલાવીને અમેરિકામાં કોલ કરીને નાગરિકોને ઓછા વ્યાજદરે લોન અપાવવાનું કહીને પ્રોસેસીંગ ફીના નામે નાણાં પડાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તારીક સૈયદ ( નુર-એ-લક્ષ્મી સોસાયટી, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા) અને અસફાક કાઝી ( ફતેવાડી, જુહાપુરા)ને ઝડપી લીધા હતા.
બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને જણા લોન ઓફર માટેના ઇ-મેઇલ કરતા હતા. જેના આધારે લોન માટે નાગરિકો કોલ કરે ત્યારે ગુગલ વોઇસ અને ટોકાટોન નામની મોબાઇલ એપ્લીકેશનથી વાત કરીને પ્રોસેસીંગ ફીના નામે નાણાં પડાવવા માટે ગુગલ પ્લે કાર્ડ ખરીદી કરાવતા હતા. જેને અમેરિકામાં રહેલા મળતિયાની મદદથી રોકડમાં કન્વર્ટ કરાવીને નાણાં હવાલાથી ભારત મંગાવતા હતા અને તેને આંગડિયા પેઢી મારફતે મેળવતા હતા. તારીક અને અસફાક બંને હારૂનને ત્યાં કમિશન અને પગાર પર નોકરી કરતા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.