સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ રોડ પર ગુરૂવારે બપોરના સમયે મહિલા
પોલીસ કર્મચારી ફરજ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા
હતા. ત્યારે બગીચા પાસે કોઈ વાહનચાલકે તેમના સ્કૂટરની ટક્કર મારી હતી, જેમાં મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું
હતું. આ અંગે બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસે જ્યારે ફરાર
વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, રિવરફ્રન્ટ
ઈસ્ટ પર સીસીટીવી કેમેરા હતા જ નહી. જેથી મહિલા પોલીસ કર્મચારીના મોતના જવાબદાર અંગે
કોઈ માહિતી મળી જ નહોતી.
રિવરફ્રન્ટ ઈસ્ટ પર સીસીટીવીનો અભાવ
આ માટે પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રિવરફ્રન્ટ
પર સીસીટીવી ઈન્સ્ટોલ કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાંય કોર્પોરેશન દ્વારા હજુ સુધી
સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા નથી. શહેરના બહેરામપુરામાં રહેતા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ
બજાવતા શારદાબહેન ડાભી ગુરૂવારે બપોરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પરથી
બંદોબસ્ત પૂર્ણ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બગીચાના ગેટ નંબર 2 અને 3 નજીક કોઈ
વાહનચાલકે તેમના સ્કૂટરને અડફેટે લેતા નીચે પટકાયા હતા અને મોત નીપજ્યું હતુું. આ
હીટ એન્ડ રનના બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી. પરંતુ રિવરફ્રન્ટ ઈસ્ટ
પર સીસીટીવી કેમેરા ન હોવાને કારણે મહિલા પોલીસ કર્મચારીના મોતનો જવાબદાર
વાહનચાલક અંગે કોઈ માહિતી મળી શકી નહોતી. જો કે, પોલીસે તે પહેલાના અને રિવરફ્રન્ટ
સિવાયના 50 સીસીટીવી તપાસવાની સાથે 10 લોકોના નિવેદન પણ લીધા હતા. તેમ છતાંય કોઈ મહત્ત્વની કડી
મળી નહોતી.
આ પણ વાંચો: અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: જાણો કયા રોડ બંધ રહશે, કયા છે વૈકલ્પિક રસ્તા
સમગ્ર બાબતે પોલીસ અધિકારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રિવરફ્રન્ટ પર સીસીટીવી ઈન્સ્ટોલ
કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ બીજા પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતું એએમસી
કેમેરા ઈન્સ્ટોલ કરતું નથી. જેના કારણે આ પ્રકારના અકસ્માતમાં આરોપી પકડવામાં
મુશ્કેલી પડી રહી છે. જેથી હવે આ મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત
કરવામાં આવશે.