Amreli News: અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ ઉપર મંગળવારે જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં તેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મારામારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. હાલ ચેતન શિયાળના પિતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શું હતો સમગ્ર બનાવ?
મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે.
ભાજપ નેતા હોસ્પિટલ દોડ્યાં
આ બાબલ દરમિયાન ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હાલ ભાવનગર સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલી ભાજપના નેતાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
હાથમાં રિવોલ્વર લઈને પહોંચ્યા ભાજપ નેતા
નોંધનીય છે કે, આ હુમલા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
પોલીસે કરી કાર્યવાહી
આ વિશે ચેતન શિયાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધાારે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો કરનાર 6 કરતા વધુ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે અટકાયત કરી છે. તેમજ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.