Khajuri Primary School, Amreli : IIT ગૌહાટી ખાતે આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2024માં ખજૂરી પ્રાથમિક શાળાના પ્રોજેકટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ મેળવનારી ખજૂરી શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સરળ અને સુલભ રીતે મળી રહે તે માટે આગવો પ્રોજેક્ટ તૈયાર કર્યો.
અમરેલીની શાળાના પ્રોજેક્ટને દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું
અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ દ્વારા અદભૂત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શહેરી વિસ્તારના લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ મળી રહે એ માટે એક પ્રોજેક્ટના માધ્યમથી નૂતન વિચાર રજૂ કર્યો. ખજૂરી પ્રાથમિક શાળાના એક શિક્ષકના માર્ગદર્શન હેઠળ બે બાળ વિદ્યાર્થીઓએ શહેરીજનોના ઘરની અગાશી-છત પર પ્રાકૃતિક ખેતીની સાથે ટેકનોલોજીના સમન્વય સાથેનું આ મોડેલ IIT ગૌહાટી ખાતે આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2024માં રજૂ કર્યું હતું. જેમાં આ પ્રોજેક્ટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાંથી પ્રથમ સ્થાન મળ્યું છે.
વિદ્યાર્થીઓને રોડક પુરસ્કાર, પ્રમાણપત્ર મોમેન્ટો આપી બહુમાન કરાયું
આ સાયન્સ ફેસ્ટિવલમાં આઈડિયાઝ ફોર વિકસિત ભારત S & T હેકાથોનમાં ભાગ લેનારા યોગશ કાવઠીયા અને ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી-બાળ વૈજ્ઞાનિક ખીમાણી ખંજન અને કાવઠીયા મંત્રને આ મોડલ તૈયાર કરવા માટે રોડક પુરસ્કાર, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ 10માં સાયન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સ્વીકૃતિ મળવી ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવી ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
પ્રિન્સિપાલે શું કહ્યું?
ખજૂરી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની એકમાત્ર ખજૂરી પ્રાથમિક શાળાએ આ રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં ન માત્ર સહભાગી બની છે, પરંતુ ટોચનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. જેથી વિદ્યાર્થીઓ ઉત્સાહ પણ વધ્યો છે અને કંઈક નવું કરવાની પ્રેરણા પૂરી પાડનારું પરિબળ બની રહ્યું છે.’
પ્રાકૃતિક ખેતી કેન્દ્ર સ્થાને
શાળાના શિક્ષક ખીમાણી હિતેશભાઈએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેસ્ટિવલમાં મળેલી થીમ મુજબ પ્રાકૃતિક ખેતીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. ખેતીમાં રાસાયણિક પદાર્થોના અતિરેકભર્યા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને સાથે જ નાગરિકોના આરોગ્યનું પણ જોખમ રહે છે. ઓછી જગ્યામાં વધુ સારું કઈ રીતે થઈ શકે? શહેરીજનોને પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સુલભ રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.’