Updated: Dec 9th, 2023
અમેરિકા મોકલવાની લાલચ આપી
યુવકે રૃપિયા પરત માગતાં એજન્ટે મારી નાંખવાની ધમકી આપતા
માણસા પોલીસ ફરિયાદ નોંધાવી
માણસા : માણસા તાલુકાના લીંબોદરા ગામે રહેતા યુવકને વિદેશ જવાના
મોહમાં વડોદરાના એજન્ટ ની લોભામણી વાતોમાં આવી અમેરિકા જવા માટે ટુકડે ટુકડે ૬,૪૩,૦૦૦ જેટલી રકમ
લેભાગુ એજન્ટને આપ્યા બાદ પણ વિદેશ જવાનું સપનું રોળાયુ હતું અને જ્યારે આ યુવકે
પોતાના આપેલા પૈસા પરત માગ્યા ત્યારે એજન્ટે થાય તે કરી લેવાની ધમકી આપી હતી જેથી
છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે આ એજન્ટ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા
પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના
લીંબોદરા ગામે દાદા નો માઢ,ખાડિયા
ચોક ખાતે પરિવાર સાથે રહેતા અને ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવિંગ
કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૪ વર્ષિય પ્રદિપસિંહ ઉર્ફે પીન્ટુ દિલીપસિંહ
વાઘેલાના ઈટાદરા ગામે રહેતા મિત્ર વિજયસિંહ ચાવડા સાથે વિદેશ જવા બાબતે વાતચીત થઈ
હતી તે વખતે તેમના મિત્રએ જણાવ્યું હતું કે હું દુબઈ જવાનો છું અને તે બાબતનું કામ
કરનાર એજન્ટ ભાર્ગવ પ્રમોદભાઈ પટેલ રહે,વૈધની
ખડકી,સોખડા
ખુર્દ, દરાપુરા,વડોદરા ને તેમના
ભાઈ શંકરસિંહ ઓળખે છે અને જો તારે દુબઈ જવું હોય તો એક લાખ રૃપિયા ખર્ચો થશે તેવું
જણાવતા પીન્ટુએ તેના ઘરે આ બાબતે વાત કરતા ઘરના સભ્યો તૈયાર થયા હતા અને એજન્ટ
સાથે વાતચીત થયા બાદ ગત જાન્યુઆરીમાં મિત્ર વિજયસિંહના ભાઈ પીન્ટુના ઘરે ગયા હતા
અને તેમને એક લાખ રૃપિયા એજન્ટના કહેવા પ્રમાણે રોકડા આપ્યા હતા ત્યારબાદ આ યુવકે
અવારનવાર એજન્ટ ભાર્ગવ પટેલ સાથે ફોન ઉપર વાતચીત થતી હતી.
ત્યારે એજન્ટ ફાઈલ
પ્રોસેસમાં છે તેવું જણાવતો હતો અને થોડા દિવસ પછી એજન્ટે આ યુવકને પરિવાર સાથે
અમેરિકા જવું હોય તો એક કરોડ દસ લાખ રૃપિયામાં મોકલી દેવાની વાત કરી હતી અને તે
માટે છ લાખ રૃપિયા અહીં રોકડા આપવાના અને બાકીની રકમ અમેરિકામાં જ્યાં નોકરી
મુકાવશે ત્યાંથી દર મહિને પગારમાંથી કપાઈ જશે તેવી લોભામણી સ્કીમ બતાવી હતી.
જેમાં આ યુવક તથા
તેમનો પરિવાર તૈયાર થતા એજન્ટે એડવાન્સ પેટે વધુ એક લાખ રૃપિયા લઈ યુવકને પરિવાર
સાથે ગત ફેબુ્રઆરીમાં મુંબઈ બોલાવ્યા હતા જ્યાં પ્રદિપસિંહ તેમના પત્ની પુત્રી અને
બે મિત્રો સાથે મુંબઈ ગયા હતા તે વખતે ભાર્ગવ પટેલે અલગ અલગ બહાને યુવક અને તેમના
મિત્રો પાસેથી રોકડા,યુપીઆઈથી
રૃપિયા ટ્રાન્સફર કરાવી ટુકડે ટુકડે ચાર લાખથી વધુની રકમ લીધી હતી પરંતુ ત્રણ દિવસ
મુંબઈમાં રોકાયા છતાં પણ ત્યાં કોઈ કામ ન થતા એજન્ટે આ લોકોને પરત મોકલી દીધા હતા
ત્યારબાદ અવારનવાર યુવકના પરિવારે એજન્ટનો સંપર્ક કરી અમેરિકા જવા બાબતે પૂછપરછ
કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે છેતરાયેલા યુવકે પોતાની રકમ પરત માગતા એજન્ટે
થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
જેથી પોતાની સાથે
છેતરપિંડી થઈ હોવાનું જણાંતા પ્રદીપસિંહ ઉર્ફે પીન્ટુ એ લોભામણી લાલચ આપી ૬,૪૩,૪૦૦ રૃપિયા લઈ
અમેરિકાના મોકલી અને પૈસા પણ પરત ન આપી
વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર વડોદરા ના એજન્ટ વિરુદ્ધ માણસા પોલીસ
સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.