Updated: Jan 11th, 2024
મહાત્મા મંદિરમાં રોબોટે આકર્ષણ જમાવ્યુ
ગાંધીનગર, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એઆઇ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેનુ કારણ એછેકે, એઆઇ રોબોટ ગાઇડની ભૂમિકા ભજવી રહ્યુ છે. દેશ વિદેશના આમંત્રિતો-ડેલિગેટોને રોબોટ જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશે પુરેપુરી જાણકારી આપે છે. આખાય મહાત્મા મંદિર પરિસરમાં કુલ મળીને પાંચેક એઆઇ રોબોટ ગાઇડ મૂકાયા છે. આ રોબોટની વિશેષતા એછેકે, તેમાં મહાત્મા મંદિરમાં કયા હોલમાં, કયા વિષય પર સેમિનાર ચાલે છે તેની માહિતી આપે છે. આ ઉપરાંત કયા કયા મહાનુભાવો આવ્યા છે તેની ય જાણકારી આપે છે. ટૂંકમાં આખાય મહાત્મા મદિરની ટુર કરાવે છે.મહાત્મા મંદિરમાં આંગળીના ટેરવે આ રોબોટના માધ્યમથી બધીય વિગતો એક જ ઠેકાણેથી મળી રહે છે. આ પાંચેય એઆઇ રોબોટ મુંબઇથી લવાયા છે.
જિનેટિકલી લીલથી હવાનું પ્રદૂષણ ઓછું થાય છે
મહાત્મા મંદિરના પ્રાંગણમાં જીનેટીકલી લીલ અને કેમિકલના દ્રવ્યથી હવાનું પ્રદુષણ ઓછુ કરી શકાય તેવુ સાધન મૂકાયુ છે જેણે આમંત્રિતો- ડેલિગેટોનું ધ્યાન ખેચ્યુ છે. આ અનોખા સાધનથી કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન મેળવી શકાય છે. આ સાધનને ઘર-ઓફિસ અને કોન્ફરન્સ રૃમમાં મૂકી શકાય છે. હવામા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય ત્યારે જીનેટિકલી લીલથી ઓક્સિજનમાં પરિવર્તિત કરી શકાય છે. એક ઝાડ ૧૦ કિલો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ૧૦૦ કિલો ઓક્સિજન પુરો પાડે છે. આમંત્રિતો-ડેલિગેટોને આ સાધનમાં એવો રસ પડયો કે, તેમણે ઝીણવટભરી માહિતી મેળવી હતી.